સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં રાજ્ય સરકારના મિશન બલમ સુખમ હેઠળ 15 પથારીની સુવિધા ધરાવતું બાલ સંજીવની કેન્દ્ર છેલ્લા 10 વર્ષથી કાર્યરત છે. તેની અંદર તમે એક લટાર લગાવો તો તેની ચોખ્ખાઈ ઉડીને આંખે વળગે ને વળી ખાનગી દવાખાનાને પણ ટક્કર મારે એવો વોર્ડ છે. બાળકોને ત્યાં રહેવું ગમે એવો માહોલ, દિવાલ પર કાર્ટૂન, છત પર શણગાર, આંગણવાડીમાં હોય તેવા બાળકોને રમવા માટેના રમકડા વળી બાળકની માતાને પણ સાથે રહેવાની સુવિધા ને એ પણ દૈનિક રૂ. 100 પણ આપવામાં આવે. એક માં અને બીજા રમકડા બાળકોને રાજી રાખવા આથી વિશેષ જોઇએ પણ શું..!
બાલ સંજીવની કેન્દ્રમાં કુપોષણ ધરાવતા બાળકોની સારવાર કરવામાં આવે છે. સારવાર એટલે પોષણયુક્ત જમાડીને...સિવિલ હોસ્પિટલના બાળકોના રોગના વિભાગમાં કોઇ બાળક માંદગી લઇને આવે ને તબીબને એમ થાય કે રોગનું મૂળ કુપોષણમાં છે, એટલે તુરંત વજન કરી, તેને ઉમર સાથે સરખાવી એમને બાલ સંજીવની કેન્દ્રમાં દાખલ કરી દેવામાં આવે છે. અહીંથી શરૂથી થાય બાળકોની તંદુરસ્તીની સફર.
બાળકને સવારે સાત વાગ્યાથી દર બે કલાકે દૂધ આપવામાં આવે છે એ ઉપરાંત 10 વાગ્યે એનર્જી પ્રોટીન પાવડર આપવામાં આવે છે. આ પાવડરમાં શિંગના દાણાનો ભૂકો, ખાંડ, મિલ્ક પાવડર અને ટોપરાના તેલનું મિશ્રણ હોય છે. જે બાળકોને ભરપૂર પ્રોટીન પૂરૂ પાડે છે.
ઉપરાંત વોર્ડની બાજુમાં જ રસોડું છે. ત્યાં બાળક માટે આરોગ્યપ્રદ વિવિધ પ્રકારના વ્યંજનો બને છે. તે પણ લો-કોસ્ટ અને બાળકની માતાને આ વ્યંજનો કેવી રીતે બને તેનું જ્ઞાન પણ આપવામાં આવે છે. આ ઉપરાંત બાળકની માતાને આરોગ્યલક્ષી આદતો કેળવવા માટે ટીવીના માધ્યમથી પણ પ્રશિક્ષિત કરવામાં આવે છે. દરેક બાળકના વજનનો વ્યક્તિગત રેકોર્ડ રાખવામાં આવે છે. તેમજ રોજ તેની તબિયત ચકાસવામાં આવે છે.
જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજે માહિતી આપતા કહ્યું કે, ન્યુટ્રીશનલ રિહેબલિશન સેન્ટર (એનઆરસી) એટલે કે બાલ સંજીવની કેન્દ્રમાં વર્ષ 2017-18માં 296, વર્ષ 2018-19માં 341 અને ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં 322 અતિકુપોષિત બાળકોની સારવાર આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે. બાળક અને તેની માતાને મળતા આહાર પોષક હોય, તેને કોઇ મુશ્કેલી ન પડે તેની પુરેપુરી તકેદારી રાખવામાં આવે છે.
પોષણ સહાયક જીણુબેન પરમાર કહે છે, અહીં આવતા બાળકોનું પ્રથમ વજન કરી, તેને ભૂખ લાગવાની ક્ષમતા તપાસ્યા બાદ તે પ્રમાણે આહાર આપવામાં આવે છે. સરકાર દ્વારા ડાયેટ પ્રોટોકોલ નિયત કરવામાં આવ્યો છે. કાંગારૂ મધર કેર, સપ્લિમેન્ટરી સકરિંગ ટેસ્ટ જેવી પદ્ધતિથી પણ સારવાર આપવામાં આવે છે. આ ઉપરાંત પ્રોટીનથી ભરપૂર એનર્જી પ્રોટીન ડેન્સ નામનો પાવડર આપવામાં આવે છે. આ પાવડર સિંગદાણા, દૂધનો પાવડર, ખાંડ અને કોકોનટ ઓઇલના મિશ્રણથી બનેલો હોય છે. ખાવામાં એકદમ સ્વાદિષ્ટ હોય છે.
તે કહે છે, અહિ આવતી માતાઓ પુત્રેષણાને કારણે બે કરતા વધુ બાળકો ધરાવતી હોય છે. આવી માતાઓમાંથી 80 ટકામાં હિમોગ્લોબીનનું પ્રમાણ 10થી 11 ટકા જેટલું હોય છે. તેમને પરિવાર નિયોજનની સમજણ આપવામાં આવે છે. આ ઉપરાંત બાલ સંજીવની કેન્દ્રમાંથી રજા આપ્યા બાદ દર પંદર દિવસે એમ 60 દિવસ સુધી તપાસ કરવામાં આવે છે.
અહીં પરિવાર જ્યારે પ્રથમ વખત આવે ત્યારે તેની પૂછપરછમાં એવું જણાવે છે કે, તેઓ બાળકને બિનપોષક આહાર વધુ પ્રમાણમાં આપે છે. તેમને લો-કોસ્ટ ભોજન વિશે માહિતી આપવામાં છે. બાદમાં મોટાભાગની માતા દ્વારા તેનો અમલ કરવામાં આવે છે. આમ, બાલ સંજીવની કેન્દ્ર કુપોષિત બાળકોનો કાયાકલ્પ કરી સમર્થ ભારતના નિર્માણમાં યથાયોગ્ય યોગદાન આપી રહ્યું છે.