ગુજરાતના જેતપુર, ભરુચ, જામજોધપુર, જામનગર, તળાજા સહીત અનેક શહેર-જિલ્લામાં ખાતરનું કરોડોનું કૌંભાડ સામે આવી રહ્યુ છે. તેમાં લુણાવાડા જિલ્લા પણ બાકાત રહ્યો નથી. પ્રદેશ કોંગ્રેસ સમિતીના આદેશ અનુસાર લુણાવાડા શહેર કોંગ્રેસે GSFC ડેપોમાં જનતા રેડ કરી હતી. એક બાજુ રાજ્યના મુખ્યસચિવ જે.એન.સિંઘે શનિવાર અને રવિવારે ખાતરનું વેચાણ બંધ રાખવા સાથે આખા કૌંભાડની તપાસ માટે હુકમ કર્યો છે. તો બીજી બાજુ હજુ પણ અનેક જિલ્લાઓમાં ઓછા વજનની ખાતરની થેલીઓનો સ્ટોક સંગ્રહ કરી રખાયો છે.
આજે લુણાવાડા શહેર કોંગ્રેસની તપાસમાં પણ ઓછા વજનવાળી ગુણો મળી આવી હતી. લુણાવાડાના સહેરા દરવાજા પાસે આવેલા GSFC ડેપોમાં સરદાર ખાતરની ગુણો ઉપર 50 કિલોગ્રામનું વજન લખવામાં આવ્યું હતું, પરંતુ તેનુ વજન માપતા મોટાભાગની ગુણોમાં જરૂર કરતાં ઓછું વજન હતું.
તપાસ દરિમયાન દરેક થેલીઓમાં સરેરાશ 500 થી 600 ગ્રામ ખાતરની કટકી જોવા મળી હતી. મહેનતકશ મજુરો ખાતરની એક બોરી 1400 રુપિયામાં ખરીદે છે. પરંતુ 50 કિલોનાં રુપિયા ચુકવવા છતાં ખેડુતોને એક થેલી દીઠ 20 રુપિયા જેટલુ નુકસાન થઈ રહ્યું છે. શહેર કોંગ્રેસ સમિતીના પ્રમુખ સુરેશ અંબાલાલ પટેલે અધિકારીઓ અને ખાતર કંપનીની સાંઠગાંઠના આક્ષેપ કર્યો હતો. ખેડૂતોની થતી લૂંટ અટકાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.