દાહોદઃ કોરોના વાઈરસના સંક્રમણથી બચવા ઘરે રહો અને સ્વચ્છતા રાખોના સંદેશા સાથે એક યુવાન સાયકલ ઉપર દેશાટન ઉપર નીકળ્યો છે. દેશના વિવિધ 27 રાજ્યોમાં આ સંદેશ પ્રસરાવી આ યુવાને ગુજરાતમાં વાપીથી પ્રવેશ કરી દાહોદ આવી પહોંચ્યો હતો. તે સાયકલ ઉપર કોવિડ-19 અને સ્વચ્છતાના બેનરો લગાવી માર્ગમાં આવતા તમામ ગામોમાં સંદેશો પ્રસરાવતો જાય છે.
હરિદ્વારના એક આશ્રમના 29 વર્ષીય અંતેવાસી લુઇસ દાસ ગત્ત તારીખ 30 ઓક્ટોબરના રોજ સ્વચ્છતાના સંદેશ લઇ સાયકલ યાત્રા ઉપર નીકળ્યા છે. તેની યાત્રાના પ્રથમ તબક્કે તેઓ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપેલા સ્વચ્છતાનો સંદેશ પ્રસરાવતા જતાં હતા. સાયકલ યાત્રા શરૂ કરી તે બાદના શરૂઆતી દિવસોમાં તેમણે શારીરિક મુશ્કેલીઓનો પણ સામનો કરતા રહ્યાં હતા. પણ, તેઓ પોતાના સંકલ્પ પ્રત્યે દ્રઢ રહ્યાં છે. જેમ જેમ યાત્રા કરતા રહ્યાં તેમ તેમ તેમનો ઉત્સાહ બેવડાતો રહ્યો છે. તેઓ પોતાની સાયકલ રિપેરિંગનો સામાન સાથે રાખે છે. ક્યાંય પણ ખરાબી થઇ તો સાયકલ જાતે જ રિપેર કરી લે છે. વળી, તેઓ પોતાના ખાવાપીવાની પણ ચિંતા કરતા નથી. તેમના અત્યાર સુધીના દેશાટન દરમિયાન માર્ગમાં હોટેલવાળા, કેટલાક નાગરિકોએ જમવાનું આપ્યું છે.
વળી, તે પોતાનો ટેન્ટ પણ સાથે રાખીને ફરે છે. એટલે કોઇ જગાએ આરામ કરવો હોય કે રાતવાસો કરવો હોય તો તંબુ ઉભા કરીને આરામ કરી લે છે. દાહોદમાં તા.4ના રોજ પ્રવેશ દરમિયાન દાસના દેશાટનના પ્રવેશના 219 દિવસ પૂરા થયા હતા. તે રોજનું 80 કિલોમિટર જેટલું સાયકલિંગ કરે છે. એ જોતા તેમણે 17500 કિલોમિટરનો પ્રવાસ કર્યો છે.
તે જ્યારે યાત્રા કરવા નીકળ્યા ત્યારે કોવિડનો કહેર ન હતો. એટલે, માત્ર સ્વચ્છતાના સંદેશ સાથે રહીને નીકળ્યા હતા. તે માને છે કે, સ્વચ્છતા દેશની ઓળખ બનવી જોઇએ. ત્યારબાદ ફેબ્રુઆરીમાં તેમને કોવિડ-19ના સંક્રમણની પ્રથમ માહિતી મળતી હતી. એ બાદ માર્ચમાં લોકડાઉન આવ્યું ત્યારથી પોતાની સાયકલમાં સ્ટે હોમનું પણ બેનર લગાવી દીધું. આટલા લાંબા સમયનો પ્રવાસ તેમના માટે પ્રત્યેક રાજ્યના વિવિધ અનુભવો, સંસ્મરણો અને સાંસ્કૃતિક પરિચયનું ભાથું બની રહ્યો છે.
ગુજરાત વિશે દાસ કહે છે, અત્યાર સુધીમાં 27 રાજ્યો ફર્યો છું. તેમાં ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સૌથી સારૂં છે. અહીંના નાગરિકો માયાળું છે. તેઓ દાહોદથી મધ્યપ્રદેશ થઇ ત્યાંથી દિલ્હી, હરિયાણા, પંજાબ અને હિમાચલ થઇ પરત હરિદ્વાર જવાના છે.