ભાજપ શાસિત દાહોદ જીલ્લાની લીમખેડા તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા સી.ડી. ભગોરાની કામગીરીથી તાલુકા પંચાયતના પદાધિકારીઓમાં વિવિધ કામગીરીઓને લઈને કેટલાક સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી. તાલુકા વિસ્તારમાં આવેલી ગ્રામ પંચાયતમાં સરકારની વિવિધ યોજનાઓના વિકાસ કામગીરી કરવામાં આવી છે જે કામગીરી પૂર્ણ થવા છતાં વિવિધ ક્ષતિઓ બતાવીને તેમના બીલની રકમ છુટી કરવામાં આવતી નથી તેમજ બીલની રકમ છુટી કરવા માટે તાલુકા વિકાસ અધિકારી દ્વારા ટકાવારી માંગવામાં આવતી હોવાનો આક્ષેપ પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો છે.
રાજ્ય, જીલ્લા અને તાલુકામાં ભાજપનું શાસન હોવા છતાં તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા તાલુકા વિકાસ અધિકારી દ્વારા કામના બીલો મંજુર કરવા માટે ટકાવારી માંગવામાં આવે છે. તેવો ગંભીર આરોપ મુકવામાં આવ્યો છે. તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને વિવિધ સમિતિના પદાધિકારીઓ સાથે મળીને તાલુકા વિકાસ અધિકારીની કામગીરીથી નારાજ થઈને બપોરે પંચાયત કેમ્પસમાં આવેલી તમામ કચેરીઓના કર્મચારીઓને બહાર કાઢવામાં આવતા સન્નાટો છવાઈ જવા પામ્યો હતો. આ પદાધિકારીઓ દ્વારા તાલુકા પંચાયત કચેરીના દરવાજાએ તાળુ મારી દેતા ખળભળાટ મચી ગયો હતો.