દાહોદ: સંકલિત બાળ વિકાસ યોજના કચેરી દ્વારા જિલ્લાના પાલક વાલીઓની જે યાદી તૈયાર કરવામાં આવી છે, તેના પર નજર નાખતા ખ્યાલ આવે છે કે, જિલ્લાની વિવિધ આંગણવાડીમાં આવતા અતિકુપોષિત બાળકોને તંદુરસ્ત બનાવવા માટે 1,667 જેટલી મહિલાઓ આગળ આવી છે અને આ કુપોષિત બાળકોના પાલક વાલી બની છે. દાહોદ જિલ્લામાં અતિકુપોષિત બાળકોની સંખ્યા કુલ 6,014 છે. જેને ICDSની પરિભાષામાં રેડ ઝોનમાં રહેલા બાળકો કહેવામાં આવે છે.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની પ્રેરણાથી શરૂ કરવામાં આવેલા પોષણ અભિયાન 2020-22માં એક નવતર પહેલ કરવામાં આવી છે. ભારતનું આવતી કાલનું ભવિષ્ય એવા કુપોષિત બાળકોને તંદુરસ્ત બનાવવા માટે લોક સહયોગને પણ વ્યાપક પ્રમાણમાં જોડવામાં આવ્યો છે.
દાહોદ જિલ્લા પંચાયત દ્વારા DDO રચિત રાજની આગેવાની હેઠળ કરવામાં આવેલા પ્રયત્નોને કારણે પોષણ અભિયાનમાં લોકો વ્યાપક સ્તરે જોડાયા છે. જિલ્લામાં 6,007 જેટલા લોકોએ 6,014 જેટલા કુપોષિત બાળકોને દત્તક લીધા છે. જે પૈકી 1,667 મહિલાઓ છે, જે આનંદની વાત છે.
આંગણવાડીને દત્તક લેનારા એક મહિલા રીનાબેન પંચાલ કહ્યું કે, સમાજને સુપોષિત કરવા માટે આ અભિયાન અગત્યનું છે. જો બાળકો તંદુરસ્ત હશે તો જ ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. અમે નિયમિત આંગણવાડીની મુલાકાત લેવાના છીએ. તે શું ખાય છે? કેવી રીતે ખાય છે? નિયમિત રીતે આંગણવાડીમાં આવે છે કેમ? તે બાબતની કાળજી રાખવાના છીએ. આ ઉપરાંત જરૂર પડે તો તેના આરોગ્યનો ખર્ચો પણ અમે ઉઠાવશું. તેમના જેવી અનેક મહિલાઓ બાળકોને તંદુરસ્ત બનાવવાનું અભિયાન હાથ ધર્યું છે અને આમેય એક બાળકની કેવી રીતે સંભાળ રાખવી એ બાબતની મહિલાઓની સમજ કુદરતી હોય છે.
દાહોદ જિલ્લામાં તાલુકા પ્રમાણે પાલક વાલીઓની સંખ્યા જોઇએ તો દાહોદમાં 1,219, ફતેપુરામાં 416, ધાનપુરમાં 417, દેવગઢ બારિયામાં 984, લીમખેડામાં 1,072, ગરબાડામાં 528, સંજેલીમાં 415 અને ઝાલોદ તાલુકામાં 949 પાલક વાલીઓ આગળ આવ્યા છે. આમ, દાહોદ જિલ્લા વહીવટી તંત્રની દ્રઢ ઇચ્છાશક્તિ અને લોક સહયોગને પરિણામે દાહોદ જિલ્લામાંથી કુપોષણને દેશવટો મળશે એ વાત ચોક્કસ છે.