દાહોદઃ કોરોના સંક્રમણને રોકવા માટે લોકડાઉનની સ્થિતિ છે. ત્યારે દાહોદ જિલ્લામાં જે લોકો પાસે રેશનકાર્ડ કે અન્ય કોઇ પુરાવા ન હોય અને અત્યંત ગરીબ-નિરાધાર, ઘર અને કુંટુંબવિહોણા છે તેવા લાભાર્થીઓને અન્ન બ્રહ્મમ યોજના અંતર્ગત રાશન આપવામાં આવશે. જિલ્લાના 2108 કુંટુંબોના 3997 લોકોને એપ્રિલ મહિના માટે પ્રતિ વ્યક્તિ નિ:શુલ્ક ‘ફુડ બાસ્કેટ’ - રાશનકીટ આપવામાં આવશે.
કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું હતું કે, અન્ન બ્રહ્મમ યોજના અંતર્ગત આ ફુડ બાસ્કેટમાં ઘઉં, ચોખા, દાળ, ખાંડ, મીઠું જેવી આવશ્યક વસ્તુઓ આપવામાં આવશે. જેમાં પ્રતિવ્યક્તિ ઘઉં ૩.૫ કિલો, ચોખા ૧.૫ કિલો, દાળ ૧ કિલો, ખાંડ ૧ કિલો, મીઠું ૧ કિલો જેવી સામગ્રી આપવામાં આવશે.
દાહોદ જિલ્લામાં જે લાભાર્થી કુંટુંબોને અન્ન બ્રહ્મમ યોજનાનો લાભ દાહોદ તાલુકામાં 250, ગરબાડામાં 500, ઝાલોદમાં 111, ફતેપુરામાં 499, લીમખેડામાં 238, ધાનપુરમાં 151, દેવગઢ બારીઆમાં 110, સંજેલીમાં 239 અને સીંગવડમાં 10 કુંટુંબોને આ યોજના અંતર્ગત રાશન કીટ આપવામાં આવશે. અન્ન બહ્મમ્ યોજનામાં પારદર્શક્તા જળવાઈ એ રીતે પ્રાથમિક રીતે તલાટી મંત્રી કક્ષાએ સર્વેની કામગીરી કરવામાં આવી હતી.
આ યોજના હેઠળ જિલ્લા પુરવઠા વિભાગના સંકલનમાં રહીને જે તે તાલુકાના મામલતદાર દ્વારા આ પરિવારોને સીધી રાશન કીટ પહોંચતી કરવામાં આવશે.