દાહોદ નગરના નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજ ગ્રાઉન્ડ ખાતે આગામી 23મી જાન્યુઆરીના રોજ CM વિજય રૂપાણી દ્વારા ‘ગુજરાત પોષણ અભિયાન વર્ષ 2020’નો રાજયવ્યાપી પ્રારંભ થશે. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન પોષણ સંકલ્પ 2020 ની ઘોષણા કરવામાં આવશે.
આ ઉપરાંત પોષણ અભિયાન કેલેન્ડર, ટેક હોમ રાશન રેસીપી બુક અને સહિયર ગોષ્ઠી મેગેઝિનનું પણ મુખ્યપ્રધાનના હસ્તે વિમોચન કરવામાં આવશે. કુપોષિત બાળકોને સુપોષિત કરવા માટે બાળકોને પાલક વાલી તરીકે દત્તક લેવા માટેની CSR પોલીસીનું પણ તેઓ લોન્ચિંગ થશે. સાથે મુખ્યપ્રધાન ઉત્તમ કામગીરી કરનારા આંગણવાડી કાર્યકર, તેડાગર, આશા અને એ.એન.એમ કાર્યકરને પ્રોત્સાહક પુરસ્કાર આપશે.
આ કાર્યક્રમનું આયોજન કરવા માટે જિલ્લા પંચાયત, દાહોદ ખાતે રાજયકક્ષાના પ્રધાન બચુભાઇ ખાબડની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. જેમાં કાર્યક્રમની પૂર્વતૈયારી, વ્યવસ્થા અને સંકલન બાબતે આયોજન કરવામાં આવ્યું હતું. લોકોમાં કુપોષણ બાબતે જાગૃતિ આવે તે માટે રન ફોર પોષણ અને ગામે ગામ પોષણ રેલીનું આયોજન કરવા માટે પણ કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું હતું. તેમજ ગુજરાત પોષણ અભિયાન અંતર્ગત સુપોષણ સપ્તાહ, પોષણ અભિયાન 2020ના વાર્ષિક લક્ષ્યાંક અને પોષણ અભિયાન 2022 સુધીના લાંબાગાળાના લક્ષ્યો વિશે પણ આઇસીડીએસ પ્રોગ્રામર ઓફીસરે માહિતી આપી હતી.
આ ઉપરાંત ગુજરાત પોષણ અભિયાન – 2020 અંતર્ગત સુપોષિત ગુજરાત માટે સંગઠિત, સંકલિત અને સઘન પ્રયાસો કરવામાં આવશે. તેમજ અભિયાન હેઠળ બાળકોનું 100 ટકા રસીકરણ, આંગણવાડીના તમામ કુપોષિત બાળકોને લીલા ઝોનમાં લાવવા, કુપોષિત બાળકોમુક્ત આંગણવાડી, કિશોરીઓમાં એનીમિયાનાં પ્રમાણમાં 4 ટકાનો ઘટાડો, અતિ ગંભીર એનીમિક સગર્ભાઓનું પ્રમાણ શૂન્ય કરવું અને જન્મ સમયે ઓછા વજનવાળા બાળકોના પ્રમાણમાં વાર્ષિક 3 ટકાનો ઘટાડો વગેરે લક્ષ્યાંકો પર કામગીરી કરવામાં આવશે.