દાહોદ: એક લાખ જેટલી વસ્તી ધરાવતા દાહોદ નગરને ચોખ્ખું ચણાક રાખવા માટે દિવસ રાત ઉદ્યમરત રહેતા 200 સ્વચ્છતા સેનાનીઓ આ અવસરે સાચા ધન્યવાદને પાત્ર છે.
સ્વચ્છતા સર્વેક્ષણ 2020માં દાહોદ નગર જયારે સમગ્ર રાજયમાં બીજા ક્રમે આવ્યું છે. ત્યારે કલેક્ટર વિજય ખરાડીએ દાહોદ નગરપાલિકા અને તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવતા આ શબ્દો ઉચ્ચાર્યા છે.
સ્વચ્છતા સર્વેક્ષણ 2020માં દાહોદ નગર સમગ્ર રાજયમાં બીજા ક્રમે આવતા સમગ્ર ટીમની કામગીરીને બિરદાવી હતી. દાહોદ નગર સ્વચ્છતા સર્વેક્ષણમાં સમગ્ર રાજયમાં બીજા ક્રમે આવ્યું છે, તે આપણા સૌ માટે ગૌરવની ક્ષણ છે. દાહોદ નગરપાલિકાએ છેલ્લા બે વરસથી મક્કમ ગતિએ પણ સાબૂત કદમે આગળ વધી રહ્યું છે. છેલ્લા બે વરસમાં નગરપાલિકા દ્વારા સુનિયોજિતરીતે સાફસફાઇની કામગીરી કરવામાં આવી રહી છે. સાથે સ્માર્ટ સિટીની કામગીરી પણ મક્કમ ગતિએ ચાલી રહી છે. જેનું પરીણામ પણ બે વર્ષમાં મળશે. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટની કામગીરી માટે પણ સ્માર્ટ સીટી અંતર્ગત એજન્સીને કામગીરી સોંપાશે.
એજન્સી દ્વારા પણ આવનારા સમયમાં સુંદર કામગીરી કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, દાહોદ નગરને સ્વચ્છ રાખવા માટે 200 સફાઇ કર્મચારી છે અને તેમની મહેનતને પરીણામે આપણે આટલું સારૂ રેન્કિંગ મેળવી શક્યા છીએ. એક લાખ જેટલી વસ્તી ધરાવતા દાહોદ શહેરની દરેક વ્યક્તિ સ્વચ્છતાની આગ્રહી બને સ્વચ્છતાની કામગીરીમાં પોતાનો સહયોગ આપે તે ઇચ્છનીય છે. ખાસ કરીને ડોર ટુ ડોર કચરો એકઠા કરવાની વ્યવસ્થા છે. તેમાં તેમનો સહયોગ ખૂબ જરૂરી છે. દાહોદ શહેરને દરેક નાગરિક પોતાનું જ ઘર અને આંગણું સમજી એ ભાવના સાથે કામ કરશે તો દાહોદને હજુ પણ વધુ સ્વચ્છ બનાવી શકીશું.
તેમણે ઉમેર્યું કે, દાહોદમાં ગટરના, પાણીની પાઇપલાઇનના, રોડના, છાબ તળાવના વગેરે કામો ચાલી રહ્યાં છે. તેને નિયમ સમયમાં પૂર્ણ કરવામાં આવશે. પરંતુ સ્વચ્છતાએ આપણી મહત્વની પ્રાથમિકતા છે. દરેક નાગરિક ફક્ત પોતાના ઘરની આસપાસ કચરો ન ફેંકે, ગંદકી ન ફેલાવે. કચરો ઘરમાં રાખેલી બે કચરા પેટીમાં જ નાખે અને કચરો એકઠો કરવા આવે તેને આપે તે ખૂબ જ જરૂરી છે. સ્માર્ટ સીટીમાં વેસ્ટ મેનેજમેન્ટ માટેની આખી વ્યવસ્થા ઊભી થવાની છે. ત્યારે નગરજનો અત્યારથી જ જાગૃત બને અને સહયોગ આપે તે એટલું જ જરૂરી છે.
આ અવસરે તેમણે નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફીસર તથા દાહોદનાં તમામ સફાઇકર્મીઓ સહિત નગરપાલિકાની ટીમ અને સફાઇ કામગીરી સાથે જોડાયેલા દરેક કર્મચારીની કામગીરીને પ્રશંસા કરી હતી અને અભિનંદન આપ્યા હતા અને દાહોદ શહેરને હજુ વધુ સ્વચ્છ, સુંદર બનાવવા એકબીજાને સહયોગ સાથે આગળ વધવા જણાવ્યું હતું.