દાહોદઃ જિલ્લાના ઝાલોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપના કાઉન્સિલર હિરેન પટેલ રવિવારે વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા, ત્યારે અકસ્માતે ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા. તેઓને તાત્કાલીક ખાનગી હોસ્પિટલમાં સારવાર આપી વધુ સારવાર માટે વડોદરા લઈ જતા રસ્તામાં તેમનું મોત નિપજ્યું હતું. માજી પ્રમુખ હિરેન પટેલના મોતનું કારણ હજી અકબંધ છે.
ઝાલોદ નગરપાલિકાના રાજકીય અગ્રણી ગણાતા તેમજ નગરપાલિકાના માજી પ્રમુખ અને વર્તમાન કાઉન્સિલર હિરેનભાઈ પટેલ વહેલી સવારે મોર્નિંગ વોક માટે ઝાલોદના મુવાડા વિસ્તારમાં નીકળ્યા હતા. સવારના સમયે હિરેન પટેલના પરિચિત પોતાના વાહન દ્વારા ત્યાંથી પસાર થઇ રહ્યા હતા, ત્યારે રસ્તાની બાજુમાં હિરેન પટેલ ઇજાગ્રસ્ત હાલતમાં જોવા મળ્યા હતાં, જેથી તેઓએ હિરેન પટેલને તાત્કાલિક ઝાલોદના ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા.
જ્યા તેમની સારવાર દરમિયાન નાજુક જણાતાં તબીબોએ તાત્કાલિક વધુ સારવાર માટે વડોદરા ખસેડવા જણાવ્યું હતું. કાઉન્સિલર હિરેન પટેલ ઇજાગ્રસ્ત હાલતમાં મળ્યા હોવાની વાત શહેરમાં વાયુવેગે પ્રસરી જતા લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત હિરેન પટેલને વધુ સારવાર માટે દાહોદ થી વડોદરા લઈ ગયા હતા, જો કે રસ્તામાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે ઝાલોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
હિરેન પટેલ મોર્નિંગ વોક દરમિયાન હિટ એન્ડ રન કેસના ભોગ બન્યા છે કે પછી કોઈકે રાજકીય દ્રસ ભાવથી હત્યા કરી છે, આ તમામ દિશાઓમાં પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટનાને લઇને શહેરમાં વિવિધ ચર્ચાઓ છેડે ચોક ચાલી રહી છે.