દાહોદઃ આંધ્રપ્રદેશના વિવિધ પ્રાંત નર્સિંગનો અભ્યાસ કરતી દાહોદ જિલ્લાની 6 જેટલી છાત્રાઓ લોકડાઉનમાં ત્યાં ફસાઇ હતી. તેમને પરત લાવવા માટે મદદની ગુહાર વાલીઓ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર પાસે કરવામાં આવી હતી. તંત્ર દ્વારા વાહન ત્યાં મોકલવામાં આવ્યું હતું. આજે આ વાહન દીકરીઓને લઇ દાહોદ પરત ફર્યું હતું.
દાહોદ જિલ્લામાંથી નર્સિંગનો અભ્યાસ કરવા માટે આંધ્રપ્રદેશ રાજ્યમાં ગયેલી 6 બાળકીઓ લોકડાઉન દરમિયાન ત્યાં ફસાઈ ગઈ હતી. લોકડાઉન દરમિયાન દીકરીઓને આંધ્રપ્રદેશથી લાવવી મુશ્કેલ બનતાં તેના વાલીઓ દ્વારા કલેક્ટર વિજય ખરાડીને પોતાની દીકરીઓને પરત લાવવા વિનંતી કરવામાં આવી હતી. વાલીઓની રજૂઆત એવી હતી કે તેમની દીકરીઓ ત્યાં ફસાઇ ગઇ છે અને આંધ્રપ્રદેશથી અહી આવવા માટે કોઇ જ વ્યવસ્થા થઇ શકી નથી.
વાલીની રજૂઆત સાંભળી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દાહોદથી 4600 કિલોમિટર દૂર ક્રુઝર વાહન 16 મેે ના રોજ મોકલવામાં આવ્યું હતું. આ વાહન સાથે એક વાલીને પણ મોકલવામાં આવ્યા હતા. તેમની સાથે સામાજિક કાર્યકર રાજેશભાઈને મોકલ્યાં હતાં. આ દીકરીઓને કોઇ પણ પ્રકારની અગવડના પડે તે માટે થઇને કલેક્ટર વિજય ખરાડી પણ આંધ્રપ્રદેશના સંબંધિત અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહ્યાં હતાં.
આ વાહનમાં બેંગ્લોરથી બે, નેલુરથી 2, ઉગલથી 2 દીકરીઓને લઇ આજે ગુરુવારે સવારે દાહોદ આવી પહોંચી હતી. અહીં આવ્યા બાદ તમામનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું અને હોમ ક્વોરોન્ટાઇન રહેવા સૂચના આપવામાં આવી છે. દીકરીઓ અને વાલીઓએ સરકારનો આભાર માન્યો હતો. આ વાહન તથા રસ્તામાં ભોજનનો ખર્ચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વહન કરવામાં આવ્યો છે.