દાહોદ: દેવગઢ બારિયા નગરમાં આવેલી સબજેલમાં કાચા કામના કેદીઓ કોર્ટના આદેશ બાદ રાખવામાં આવે છે. દેવગઢ બારિયા સબ જેલમાં રહેલા કાચા કામના કેદીમાંથી 13 જેટલા કેદીઓ આશરે વહેલી પરોઢ પહેલા બેરેકના તાળા તોડી અને જેલની ઊંચી દીવાલ કૂદીને ફરાર થઇ ગયા હતા. જેની જાણ થયા બાદ ફરજ પરના કર્મચારીઓને ધ્યાને આવ્યું હતું.
તમામ કેદી મર્ડર લૂંટ જેવા ભારે ગુનામાં સંડોવાયેલા હતા. સવારમાં ચાર વાગ્યાના અરસામાં જેલ ગાર્ડ દ્વારા જેલમાં તપાસ હાથ ધરતા બેરેક નંબર એકના રૂમ નંબર ત્રણ અને ચારના કેદીઓ ફરાર થઈ ગયેલા હોવાનું જણાવતા ઇન્ચાર્જ જેલ ગાર્ડ દ્વારા આ બનાવ અંગેની જાણ સબજેલના જેલરને જાણ કરી હતી. જેલર વહેલી સવારે સબ જેલ પર પહોંચી તપાસતા ખરેખર જેલમાંથી કેદીઓ ફરાર થઇ ગયા હતા.
આ બનાવ અંગેની જાણ દેવગઢ બારીયા પોલીસ મથકે કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ જિલ્લાની તમામ પોલીસને જાણ કરતા જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો દેવગઢ બારિયા સબ જેલ પર દોડી આવ્યો હતો. આ અંગે ફરિયાદ નોંધી પોલીસે આરોપીઓની શોધવાની તજવીજ હાથ ધરી છે.