દાહોદઃ દાહોદ શહેરમાં કોરોના વાઇરસ પોઝિટિવો કેસ નોંધાતા નગરજનોમાં ભયના માહોલ સાથે પોલીસ પણ એક્શનમાં છે, તેવા સમયે ઇન્દોરથી આવેલા પરિવારના મોભીનું દફનવિધિ કરાયા બાદ કબ્રસ્તાનમાં લોકો ભેગા થયા હોવાની પોલીસને માહિતી મળતા ત્યાં પહોંચીને ચાર જણાને ઝડપી પાડ્યા હતાં. પોલીસે અત્યાર સુધી લોકડાઉન ભંગના કુલ 987 કેસ, 1285 વ્યક્તિની અટક અને 582 વાહનો ડિટેઇન કર્યાં છે.
દાહોદ શહેર પોલીસ સવારના સમયે શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી રહી હતી, તે સમય દરમિયાન ટેલીફોન એક્શન પાછળના વિસ્તારમાં આવેલા ગોરીસા બાવાના કબ્રસ્તાન પાસે કેટલાક લોકો ટોળે વળ્યા હોવાનું પોલીસ અને માહિતી મળી હતી. જેથી સત્વરે પોલીસ જવાનો પહોંચી ગયા હતા, પોલીસને આવતી જોઇને કેટલાક લોકો મુઠ્ઠીઓ વાળી નાસી છૂટ્યા હતા અને તેમાંથી ચાર શખ્સો પોલીસના હાથે ઝડપાઇ ગયા હતાં.
આ શખ્સોને કોઇ પણ પ્રકારની મંજૂરી વગર જ એકઠા થવા બદલ પોલીસેે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી છે. ચારેય શખસે પોલીસ સમક્ષ એવી કેફિયત આપી કે, તેઓ શબે બારાત અનુસંધાને કબર ઉપર ફૂલ ચઢાવા આવ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇ 7 માર્ચના રોજ આજ કબ્રસ્તાનમાં ઇન્દોરથી આવેલા એક પરિવારે દફન વિધિ કરી હતી અને તે પરિવારની બાળકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એટલે પોલીસે અહીં પેટ્રોલિંગ વધારી દીધું હતું, તેવા આ ચાર શખસો ઝડપાઇ ગયા હતા.
દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે માહિતી આપી છે કે, સમગ્ર દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં લોકડાઉનના ભંગ બદલ 987 કેસ કરવામાં આવ્યા છે અને 1285 લોકોની અટક કરવામાં આવી છે. જ્યારે કોઇ કારણ વિના વાહન સાથે બહાર લટાર મારવા નીકળેલા ચાલકોના 582 વાહનો ડિટેઇન કરી લેવામાં આવ્યા છે અને તેને રૂ. 1.55 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.