દાહોદ જિલ્લાના ગરબાડા પંથકમાં આવેલા જંગલોમાં વસવાટ કરતા દીપડાઓ શિકારની શોધમાં જંગલમાંથી શહેર તરફ આવી રહ્યા છે. ગરબાડાના ભે ગામમા રાત્રિ સમય દરમિયાન શિકારની શોધમાં ભટકતો નીકળી આવેલ દિપડો શિકારનો પીછો કરતા પાણી વિનાના કૂવામાં ખાબકી ગયો હતો. જયારે સવારે ખેતર બાજુ ગયેલા ગ્રામજનોએ કુવામાંથી પ્રાણીનો અવાજ સાંભળ્યો હતો, ત્યારે પાણી વિનાના ઉંડા કુવામાંથી અવાજ આવતો હોવાથી કૂવામાં જોતા અંદર દીપડો પડેલો જોવા મળ્યો હતો.
જેથી ગ્રામજનોએ બધાને જાણ કરતા લોકો દિપડો જોવા માટે ભે ગામના કુવા પર ઉમટી પડ્યા હતા તેમજ વન વિભાગને દિપડો કુવામાં ખાબકયો હોવાની જાણકારી આપી હતી. જેથી વન વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વન વિભાગના કર્મચારીઓએ દિપડાને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ કામગીરી સહિતનું આયોજન કરવામાં આવ્યું હતુ. તેમજ દીપડાને બહાર કાઢવામાં આવ્યો હતો.