દાહોદઃ જિલ્લામાં કોરોનાવાયરસ વકરતો અટકાવવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા સમયાંતરે વિવિધ પગલા ભરવામાં આવી રહ્યા છે. લોક ડાઉન સમય દરમિયાન જિલ્લાવાસીઓને આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી માટે છૂટછાટનો સમય આપવામાં આવ્યો છે.
આ સમય દરમિયાન કેટલાક નાગરિકો દ્વારા ટુ વ્હીલર વાહનો પર જરૂરિયાત વિના પણ મુસાફરી કરતા હોવાનું પોલીસ અને વહીવટી તંત્રના ધ્યાને આવ્યું હતું. જેના કારણે જિલ્લા કલેક્ટર વિજય ખરાડી દ્વારા જિલ્લાના દાહોદ દેવગઢબારિયા અને ઝાલોદ શહેર વિસ્તારમાં આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી ના સમય દરમિયાન ટુ વ્હીલર પર મુસાફરી કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ જાહેરનામું પ્રસિદ્ધ કરીને મુકી દેવામાં આવ્યો છે.
આવશ્યક વસ્તુઓની ખરીદી માટે અનિવાર્ય સંજોગોમાં બહારગામથી આવનાર ટુ વ્હીલર વાહન ચાલકોએ દાહોદ, ઝાલોદ અને દેવગઢ બારીયા શહેરી હદ વિસ્તારમાં પ્રવેશ કરતાં પહેલા તેમના વાહનો પોલીસ કર્મચારીઓની સૂચના મુજબ શહેર બહાર પાર્ક કરી શહેરમાં પ્રવેશ કરવાનો રહેશે.
આ જાહેરનામું ઝાલોદ અને દેવગઢ બારીયા શહેરી વિસ્તારમાં લાગુ પડશે અને હુકમ તારીખ 10 એપ્રિલથી તારીખ 14 એપ્રિલ સુધી અમલમાં રહેશે. આ હુકમનું ઉલ્લંધન કરનાર સામે ભારતીય દંડ સંહિતાની કલમ 188 અને ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 131 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.