દાહોદ : દેવગઢ બારિયા પાસેથી એરગન, ચપ્પુ, ચોરી કરેલી બાઈક સાથે બે આરોપીઓ ઝડપાયા છે. દેવગઢ બારિયાના ભથવાડા ટોલનાકા પર પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી.બી પરમાર પોતાના સ્ટાફ સાથે વાહન ચેકિંગની કામગીરી ચાલતી હતી. તે દરમિયાન એક અધૂરા નંબર પ્લેટ વાળી બાઈક પર બેસી બે શખ્સો આવતા હતા. શખ્સોના વ્યવહાર શંકા જનક લાગતા બંનેને રોકી તપાસ કરી હતી. બાઈક બાબતે પૂછતાં અસંતોષકારક જવાબ આપ્યો હતો. તેથી બંને શખ્સોની અંગ જડતી કરતા બાઈકની ડીકીની તપાસ કરી હતી. જેમાં એક દેશી બનાવટની એરગન, ધારદાર ચપ્પુ મળી આવ્યું હતું.
જિલ્લામાં લુટ, ઘરફોડ ચોરીના બનાવ અટકાવવા માટે તેમજ દારૂની હેરફેર કરનાર બુટલેગરને ઝડપી પાડવા પેટ્રોલિંગ દરમિયાન ભથવાડા ટોલનાકા પરથી બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે તેની ઊંડાણપૂર્વક તપાસ કરતા બાળ કિશોર નીકળ્યો હતો. આરોપી પાસેથી દેશી હાથ બનાવટની એક એરગન, ચોરીની બાઈક, ચાકુ, મોબાઈલ મળી આવ્યો હતો. આરોપીએ બીજા લુટ કે ધાડના ગુનાનો અંજામ આપવા બાઈક મધ્યપ્રદેશથી ચોરી કરી હતી. હાલ પોલીસ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આરોપી બીજા કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તે બાબતે તપાસ કરવા આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. - એસ.ડી.રાઠોડ (Dysp, લીમખેડા)
મધ્યપ્રદેશની બાઈકની ચોરી કરી : એરગન અંગે આધાર પુરાવા માંગતા સંતોષકારક જવાબ આપ્યો ન હતો. તેમજ બાઈકની એપ્લિકેશનના માધ્યમથી તપાસ કરતા ચોરી હોવાનું જણાયું હતું. બાઈક મધ્ય પ્રદેશ, રતલામ જિલ્લાના મુકામેથી રાત્રિના સમયે ચોરી કરી હોવાનું તપાસમાં ખુલ્યું હતું. પોલીસે વધુ પૂછપરછ કરતા આરોપી બહાદુર રાવત, અને સાથી બાળ કિશોર જણાઈ આવ્યો હતો. ઝડપાયેલા બંને આરોપીને ઝડપી પાડી પીપલોદ પોલીસ સ્ટેશનને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.