- મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન દાહોદની મુલાકાતે
- જિલ્લામાં કોરોનાની સ્થિતિનો ક્યાસ કાઢ્યા બાદ લેવાયો નિર્ણય
- દાહોદમાં એક સપ્તાહમાં 300 બેડ વધારવાની કરાઈ જાહેરાત
દાહોદ: કોરોનાની સમીક્ષા માટે દાહોદ આવેલા મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ સ્થાનિક પ્રશાસન સાથેની બેઠકમાં જિલ્લામાં કોવિડની પરિસ્થિતિ અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે વિગતવાર સમીક્ષા કરી હતી. મુખ્યપ્રધાનને જિલ્લામાં ડેડીકેટેડ હોસ્પિટલ્સ, બેડની ઉપલબ્ધતા, રેમડેસીવીર ઇન્જેક્શન, એન્ટીજન ટેસ્ટ કીટ, લોજીસ્ટીક્સ સહિતની તમામ બાબતો અંગે તલસ્પર્શી માહિતી આપવામાં આવી હતી. મુખ્યપ્રધાન સમક્ષ જિલ્લાની કોવિડ સ્થિતિ અંગે સ્પષ્ટ અને સર્વગ્રાહી ચિત્ર રજૂ કરવામાં આવ્યા બાદ જિલ્લામાં આગામી એક સપ્તાહમાં 300 બેડ વધારવાની જાહેરાત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: મુખ્યપ્રધાન દ્વારા નવી 150 એમ્બ્યુલન્સ ખરીદવાનો આદેશ અપાયો
લોકસહકારથી ઘનિષ્ઠ આરોગ્ય ચકાસણીની ઝૂંબેશ હાથ ધરાશે
બેઠક બાદ મુખ્યપ્રધાન રૂપાણીએ જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લામાં જે વિસ્તારોમાંથી વધુ કોરોનાના કેસો મળી આવે છે, ત્યાં ટેસ્ટ, ટ્રેસિંગ અને આઇસોલેટ કાર્યમંત્રને આધારે લોકસહકારથી ઘનિષ્ઠ આરોગ્ય ચકાસણીની ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. દર્દીઓને આરોગ્યલક્ષી દવાઓની કિટ્સ પણ આપવામાં આવશે. કન્ટેઇન્મેન્ટ ઝોનના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા માટેની સ્થાનિક પ્રશાસનને સૂચના આપવામાં આવી છે. દાહોદના ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના કેસોનું પ્રમાણ વધુ પ્રમાણમાં જોવા મળતા ગ્રામ્યકક્ષાએ સેવા આપતા તબીબો પણ કોવિડ હેલ્થ સેન્ટર શરૂ કરે તેવી કાર્યવાહી કરવા માટે તંત્રને સૂચના આપવામાં આવી છે. મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, દાહોદમાં ઝાયડ્સ હોસ્પિટલ ખાતે 200 બેડ અને જિલ્લામાં 100 વધારાના બેડ તમામ સુવિધા સાથે દર્દીઓ માટે વધારવામાં આવશે.
જિલ્લામાં 4.20 લાખથી વધુનું સર્વેક્ષણ
જિલ્લામાં કુલ 2654 ટીમ દ્વારા 4.20 લાખ લોકોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું છે. જેમાંથી 2311 લોકોને કોવિડના લક્ષણો જણાયા હતા. સર્વેલન્સના આધારે કુલ 2472 લોકોનો એન્ટીજન ટેસ્ટ અને 1417 લોકોનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો. હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ 264235 લોકોનો, જયારે પિન્ક એરિયામાં 72868 લોકોનો, એમ્બર એરીયામાં 20562 લોકોનો, કન્ટેઇન્મેન્ટ ઝોનમાં 42945 લોકોનો સર્વેલન્સ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: રાજ્યમાં લોકડાઉન નહીંઃ નીતિન પટેલે કહ્યું , લોકડાઉનથી સંક્રમણની ચેઈન તુટે જ એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી
1222 સુપરસ્પ્રેડરની તપાસ હાથ ધરાઈ
બોર્ડર સ્ક્રિનિંગ 1793 લોકોનો, ધન્વંતરિ રથ દ્વારા 5458 લોકોનું સર્વેલન્સ કરવામાં આવ્યું હતું. સરકારી દવાખાનાઓમાં 5072 લોકોની અને ખાનગી હોસ્પિટલોમાં 6286 લોકોની OPD કરવામાં આવી હતી. બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન વગેરે સ્થળે તેમજ સુપરસ્પ્રેડર હોય તેવા 1222 લોકોનું સર્વેલન્સ હાથ ધરાયું હતું.
જિલ્લામાં કુલ 55 ધન્વંતરિ રથ દ્વારા દૈનિક ધોરણે કરવામાં આવતી OPD સરેરાશ 151 છે. ધન્વંતરિ રથ દ્વારા કુલ 1611 લોકોના એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યા છે. જયારે 427 લોકોને સારવાર અર્થે રિફર કરવામાં આવ્યા છે.
જિલ્લામાં કુલ 220 ICU બેડ ઉપલબ્ધ
જિલ્લાની ઝાયડસ મેડીકલ કોલેજ અને હોસ્પિટલ, અર્બન રળિયાતી હોસ્પિટલ, રેલ્વે હોસ્પિટલમાં કુલ 436 બેડની કેપિસીટી છે. જયારે જિલ્લાની 22 ખાનગી હોસ્પિટલોમાં 562 બેડની કેપિસીટી છે. જેમાંથી સરકારી હોસ્પિટલમાં કુલ 129 અને ખાનગી હોસ્પિટલોમાં 91 બેડ મળીને કુલ 220 ICU બેડ છે. તેમાંથી કુલ 44માં વેન્ટિલેટર અને 37માં બાઇપેપની સગવડ ઉપલબ્ધ છે.
આ પણ વાંચો: કોરોનાના વધતા કેસને અટકાવવા મુખ્યપ્રધાન રૂપાણીનો શું હશે પ્લાન?
458 ઓક્સિજન અને 320 નોર્મલ બેડ ઉપલબ્ધ
જિલ્લાની 3 સરકારી હોસ્પિટલમાં 244 ઓક્સિજન બેડ અને ખાનગી હોસ્પીટલમાં 214 ઓક્સિજન બેડ મળીને કુલ 458 ઓક્સિજન બેડ ઉપલબ્ધ છે. આ ઉપરાંત સરકારી હોસ્પિટલોમાં 63 અને ખાનગી હોસ્પિટલોમાં 257 મળીને કુલ 320 નોર્મલ બેડ છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં 10 કોવિડ હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જેમાં 110 બેડ ઉપલબ્ધ છે. જ્યારે દાહોદ સહિત અન્ય તાલુકાઓના 9 કોવિડ કેર સેન્ટરમાં 638 બેડ ઉપલબ્ધ છે.
ડોર ટૂ ડોર સર્વેલન્સ વધારીને દર્દીઓને ટ્રેસ કરવાની સૂચના
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ડોર ટૂ ડોર સર્વેલન્સ વધારીને કોવિડના દર્દીઓને સમયસર ટ્રેસ કરી લેવા આરોગ્ય વિભાગને સૂચના આપી હતી. આ ઉપરાંત, દાહોદ જિલ્લાની જરૂરિયાત આરોગ્યલક્ષી સાધન સુવિધા પૂરી પાડવામાં આવશે, તેમ પણ કહ્યું હતું. આ બેઠકમાં તેમણે ઝાયડ્સ હોસ્પિટલમાં સિટી સ્કેન તત્કાલ શરૂ કરવા પણ કહ્યું હતું. તેમણે દાહોદમાં કોવિડ રસીકરણ અભિયાન અંતર્ગત 2,72,166 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અને 68,416 લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો હોવાનું પણ જણાવ્યું હતું.