દાહોદ: વકરતા કોરોના વાઇરસને ધ્યાને રાખીને દાહોદ વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પીટલ મૂકામે કોરોના સારવાર માટેનું હોસ્પિટલ ઉભું કરાયું છે. જ્યારે રેગ્યુલર આવતી ઓપીડી અને ઈમરજન્સી સારવાર માટે અર્બન બેન્ક અને રેલવે હોસ્પિટલમાં પહેલી એપ્રિલથી સુવિધા ઉપલબ્ધ કરાવી છે.
દેશ સહિત રાજ્યમાં કોરોના વાઇરસના સંક્રમણની સ્થિતિ દિન પ્રતિદિન વધતી જોવા મળી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગોતરા આયોજન પ્રમાણે દાહોદ ઝાયડસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ મૂકામે કોરોના વાઇરસની સારવાર માટે 10 વેન્ટીલેટર અને 100 બેડની વ્યવસ્થા પહેલી એપ્રિલના રોજથી શરૂ કરવામાં આવી છે.
જ્યારે OPD ઈમરજન્સી દર્દીઓથી ધમધમતા હોસ્પિટલમાં આવતા તમામ દર્દીઓને ઓ.પી.ડી અને ઇમરજન્સી સારવાર માટે માટે રળિયાતી મૂકામે આવેલા અર્બન બેન્ક હોસ્પિટલમાં કરવામાં આવશે તેમજ દાહોદના પરેલ વિસ્તારની રેલવે કોલોનીમાં આવેલા અંગ્રેજોના સમયના રેલવે મેન હોસ્પિટલ મૂકામે વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જિલ્લા કલેક્ટર વિજય ખરાડી એ જણાવ્યું હતું.