દાહોદઃ જિલ્લા સમાહર્તા વિજય ખરાડી દ્વારા જાહેર કરાયેલા જાહેરનામા મુજબ તમામ રોજગાર પુરો પાડતા ઉદ્યોગો, વ્યાપારી, વાણિજય સંસ્થા-દુકાનો, કોન્ટ્રાક્ટરોએ તેમના તમામ પ્રકારના કામદારોને લોકડાઉનના સમય દરમિયાન તેમના ઉદ્યોગો, વેપાર વાણિજય સંસ્થા-દુકાનો બંઘ રહ્યા હોય તો પણ કામના સ્થળે નક્કી થયેલ મહેનતાણું, નિયત થયેલ તારીખે જ કોઇ પણ પ્રકારના કપાત વગર પુરેપુરુ ચુકવવાનું રહેશે. તમામને 3 મેં સુધી કામના સ્થળે હાજર ગણવાના રહેશે અને તે મુજબ મહેનતાણું ચુકવવાનું રહેશે. કોઇ મકાન માલિક કે, તેના વતી તેમના મકાનમાં ભાડે રહેતા શ્રમિકો અને વિદ્યાર્થીઓને તેમની જગ્યા છોડવાની ફરજ પાડી શકાશે નહી.
ઉપરાંત, કોઇ પણ ઉદ્યોગો, વાણિજય સંસ્થા-દુકાનદાર, કોન્ટ્રાક્ટર તેમના શ્રમિકોને બળજબરીપૂર્વક કામના રહેઠાણના સ્થળોને છોડવાનું કહી શકાશે નહી. આ પ્રકારના શ્રમિકોને રહેવા અને જમવાની વ્યવસ્થા તેઓ જે સ્થળે કામ કરતા હોય તે સ્થળનાં માલિક, કોન્ટ્રાક્ટરે ફરજીયાત કરવાની રહેશે.
આ જાહેરનામું 3 મેં સુધી દાહોદ જિલ્લાના મહેસુલી વિસ્તારમાં લાગુ પડશે. આ હુકમ સરકારી ફરજ ઉપરના અથવા રોજગારીમાં હોય તેમજ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલા રોજીદા જીવન જરૂરીયાતની આવશ્યક ચીજ-વસ્તુઓના ધંધા-વ્યવસાયમાં સંકળાયેલા લોકોને તેમજ સક્ષમ અધિકારીની મંજુરી મેળવનારને લાગુ પડશે નહી.