દાહોદ શહેરમાં ભાજપના પ્રચાર દરમિયાન જનસભાને સંબોધતા ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કમલનાથના ટ્વિટ બાબતે જણાવ્યું હતું કે, આ નિવેદનો બતાવે છે કે ગુજરાત પ્રત્યે કોંગ્રેસની માનસિકતા શું છે. વધુમાં તેમણે કહ્યું કે, ગઇકાલે જે વાવાઝોડું આવ્યું હતું તે બાદ કેન્દ્ર સરકાર દ્વારા સહાય આપવામાં આવી હતી. વડાપ્રધાન મોદી છેવાડાના માનવીનું પણ વિચાર કરે છે. કોંગ્રેસ પર પ્રહારો કરતા તેમણે કહ્યું કે, ગુજરાતના લોકોને સહાયના પૈસા મળે તે પણ કોંગ્રેસને મંજુર નથી.
CM રૂપાણીએ ગેહલોત વિશે જણાવ્યું હતું કે, ચૂંટણી દરમિયાન રાષ્ટ્રપતિ વિશે કાંઇ પણ ન કહી શકાય છતાં પણ તેઓ બોલ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસની દલિત પ્રત્યેની માનસિકતા પણ આ નિવેદન પરથી દેખાય છે. મુખ્યપ્રધાને કહ્યું કે, કોંગ્રેસ હારના ડરથી આવા નિવેદનો આપી રહ્યું છે, જેનું પરિણામ ભારતની જનતા ચૂંટણી સમયે આપશે.
સભાને સંબોધતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, બધાને વડાપ્રધાન બનવું છે, બધાના પેટમાં પાપ છે, દેડકાની જેમ ટાંટીયા ખેચવાના છે. જો કદાચ એવું બને કે ભૂલથી કોંગ્રેસને થોડી ઘણી બહુમતી મળે તો સવારનો વડાપ્રધાન નેપાળી હશે, બપોર બાદ બીજાનો વારો, સાંજનો વડાપ્રધાન કોઇક ત્રીજો, રાતનો રાજા કોઈ ચોથો અને આ રીતે દેશમાં અસ્થિરતા અને અરાજકતા ઉભી થશે.
મુખ્યપ્રધાને વધુમાં કહ્યું કે, લોકોનું જે રીતે સમર્થન મળી રહ્યું છે તેનાથી સ્પષ્ટ છે કે ભાજપ 26 બેઠકો જીતશે. વાવાઝોડા વિશે તેમણે વાત કરતા કહ્યું કે, ગઇકાલે નવ વ્યક્તિઓના મોત થયા હતા. આ દરેક વ્યક્તિને રાજ્ય સરકાર 2 લાખની સહાય આપશે, તો વાવાઝોડામાં મૃત્યુ પામનારને કેન્દ્ર સરકાર પણ 2 લાખની સહાય કરશે.