દાહોદઃ કોરોના વાઇરસને પ્રસરતો અટકાવવા માટે સમગ્ર દાહોદ જિલ્લામાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ છે. તે દરમિયાન દૈનિક વેતન મેળવતા શ્રમિકો કામ પર ન જઇ શકતા હોવાથી તેના પગાર મળતો નથી. જેથી શ્રમિકોઓએ જીવનનિર્વાહ માટે તેમનું વેતન ન કાપવા અંગે કલેક્ટર વિજય ખરાડી સમક્ષ રજૂઆત કરી હતી.
કલેક્ટર વિજય ખરાડીએ કારખાનાદારો તથા નોકરીદાતાઓને શ્રમિકોનો પગાર ન કાપવા અપીલ કરી હતી. કલેક્ટર ખરાડીએ જણાવ્યું કે, કોરોના વાઇરસને પગલે સીઆરપીસીની કલમ ૧૪૪ મુજબ લાગુ કરવામાં આવેલી લોકડાઉનથી દૈનિક વેતનથી કમાતા શ્રમિકોને કોઇ અગવડ ન પડે તે માટે તેમના નોકરીદાતાઓ વેતન આપવાનું ચાલું રાખે તેવી અપીલ કરવામાં આવી છે.
આ બાબતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જીઆઇડીસી અને અન્ય સ્ટેક હોલ્ડર્સ સાથે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના માધ્યમથી બેઠક કરવામાં આવી હતી. જેમાં કારખાનેદારોને આ બાબતે સમજાવવામાં આવ્યા છે. ઘરકામ માટે આવતી વ્યક્તિને પણ આ દિવસોનું પૂરેપૂરૂ વેતન આપવાની માનવ સહજ સંવેદના દાખવવા કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી હતી.