દાહોદ: કોરોના વાઇરસ ફેલાતો અટકાવવા માટે નાગરિકોને વ્યક્તિગત ચોક્કસાઇનું અનુપાલન કરવા માટે ધાર્મિક અગ્રણીઓએ અપીલ કરી છે. દાહોદના દેસાઇવાડા વિસ્તારમાં આવેલી ગોવર્ધનનાથજીની હવેલીના મુખિયાજી વિનોદભાઇ તથા વક્તા નલીનભાઇ ભટ્ટે જણાવ્યું કે, કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં પ્રસરી છે. કોરોના વાઇરસના સંસર્ગમાં આવવાથી તે લાગુ પડે છે. તેથી તમામ નાગરિકોએ પોતાના સ્વાસ્થ્યની વ્યક્તિગત રીતે તકેદારી રાખવી જોઇએ. બહારથી આવીને હાથ સારી રીતે ધોવા જોઇએ. કોઇપણ માંદગીના લક્ષણ જણાઇ તો તાત્કાલિક તબીબને બતાવવું જોઇએ. તેમણે સામુહિક રીતે પણ કેટલીક બાબતોનો ચૂસ્તપણે અમલ કરવો જોઇએ. મેળાવડામાં જવાનું ટાળવું જોઇએ. કોઇ પ્રસંગમાં જવાનું ટાળવું જોઇએ. આપણા સામુહિક સંકલ્પના બળથી સકારાત્મક ઊર્જાનો સંચાર કરી સરકારના પ્રયત્નોમાં સહકાર આપવો જોઇએ.
તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારના રોજ જનતા કરફ્યૂની અપીલ કરી છે. તેમાં સૌએ જોડાવું જોઇએ, અમે પણ કરફ્યૂના કારણે હવેલીના દર્શનના સમયમાં ફેરફાર કર્યા છે. દાહોદમાં વસતા વહોરા સમાજના આમીલ અને ધાર્મિક અગ્રણી શેખ ઝોહેરભાઇ બદરી કોરોના અંગે અપીલ કરતા જણાવ્યું કે, કોરોના વાઇરસથી ભય-ભીત થવાની જરૂર નથી, પરંતુ સાવચેતીની જરૂર છે. કોઇને મળતી વખતે નમસ્કાર કે સલામ કરો, હાથ મિલાવવાનું ટાળો. ધાર્મિક કે સામાજિક પ્રસંગોનું આયોજન ન કરો અને જવાનું પણ થઇ શકે તો ટાળો. ખાંસી કે છીંકના સમયે રૂમાલનો ઉપયોગ કરો.
દાહોદ જિલ્લામાં મુસ્લિમ સમાજના ધાર્મિક વડા જૈનુદ્દીન મીયાં મહેબુબ મીયાં કાઝીએ કોરોના અંગે સંદેશો આપતા જણાવ્યું કે, કોરોનાનો પ્રભાવ વધતો જાય છે, ત્યારે આપણે તમામ લોકોએ સાવચેતીના પગલાઓનું ચૂસ્તપણે પાલન કરવું જોઇએ. સરકાર દ્વારા આ માટે વ્યાપક પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તેને ધ્યાનમાં રાખી અમલ કરવો જોઈએ. અફવાઓથી દૂર રહેવાની જરૂર છે. જાહેરમાં થૂંકવુ નહીં, નમસ્તે કે સલામની આદત પાડી એક સલામત અંતર જાળવીએ. ખોટી મુસાફરી કે અવર-જવર ટાળવી જોઇએ. આપણે તમામ લોકોએ સાથે મળીને આ પરિસ્થિતિનો સામનો કરવો જોઇએ અને સરકારને પણ સંપૂર્ણ સહયોગ આપવો જોઇએ.