દાહોદઃ જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી કોરોના સંક્રમણના કારણે પોઝિટિવ આવ્યા બાદ હાલ તેમને રજા આપવામાં આવી છે. પરંતુ જિલ્લા પંચાયત ભવનમાં ફરજ બજાવતા વધુ બે કર્મચારીઓ કોરોના સંક્રમણમાં આવવાના કારણે જિલ્લા પંચાયત કચેરીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાવાઈરસના પોઝિટિવ આવેલા બંને કર્મચારીઓના સંપર્ક અને ટ્રાવેલ્સ હિસ્ટ્રીની ચકાસણી કરવામાં આવી રહી છે. જિલ્લા પંચાયત ભવનની કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા હોવાના કારણે જિલ્લા પંચાયત તંત્ર દ્વારા 26મી જુલાઈ સુધી દાહોદ જિલ્લા પંચાયતની તમામ શાખાઓ બંધ કરવામાં આવી છે.
આરોગ્ય વિભાગ દ્વારા કર્મચારીઓના સંપર્કમાં આવેલા પરિવારજનો સહિત લોકોને ક્વોરેન્ટાઈન પણ કરી દેવામાં આવ્યા છે. સાથે જ વધુમાં ટ્રેસીંગ કામગીરી સહિત સેનેટાઈઝીંગની કામગીરી પણ હાથ ધરી દેવામાં આવી છે.