દાહોદ : જિલ્લા સેવા સદન મુકામે આવેલ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીમાં ફરજ બજાવતા જી.સી તડવીની અધ્યક્ષતામાં ફૂડ સેફટી ઓફીસર એ.પી. ખરાડી દ્વારા અખાધ પદાર્થો વેચતા વેપારીઓને ત્યાં આકસ્મિક ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ગરબાડા તાલુકામાં 10 વેપારીઓ સામે તપાસ કરવામાં આવી હતી. જેમાં ફરસાણમાં વપરાતા ખાધ તેલની ટીપીસી મશીન દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. તેમજ ફરસાણના નમૂના લઇ પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ઠંડા પીણાની અંદાજે 700 રૂ. જેટલી કિંમતની બોટલો જેની એકસપાયરી ડેટ જતી રહી હતી. તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. તથા વેપારીની નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. દેવગઢ બારીયામાં દૂધ ,ધીનું વેચાણ કરતી ડેરીઓમાંથી મિક્સ દૂધ અને ઘી તથા રીફાઇન્ડ રાયડા તેલના નમુના પણ લેવામાં આવ્યા હતા.
તેમજ 7 ફરસાણની દુકાનોમાં તેલની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં લાયસન્સ વિના વેપાર કરતી 7 પેઢીઓને નોટીસ આપવામાં આવી હતી. જે વેપારીઓના ખાધ પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે. તેમની સામે રિપોર્ટ આવ્યા બાદ કડક પગલાં લેવામાં આવશે.