દાહોદ: જિલ્લા કક્ષાના 74માં સ્વતંત્ર પર્વ 15 ઓગસ્ટની ઉજવણી સંદર્ભે જિલ્લા સેવા સદનમાં આવેલા કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા સમાહર્તાના અધ્યક્ષ સ્થાને અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી.
કલેક્ટર ખરાડીએ જણાવ્યું હતું કે, માત્ર આમંત્રિતોની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં 74માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવશે. દેશભાવનાને ઉજાગર કરનારા સાંસ્કૃતિ કાર્યક્રમોની ડિજિટલ માધ્યમથી પ્રસ્તુતિ કરવામાં આવશે. સ્વાતંત્ર્ય પર્વના ઉજવણીમાં ધ્વજવંદન કરનારા મહાનુભાવ દ્વારા પરેડનું નિરીક્ષણ કરવાના બદલે માત્ર સલામી ઝીલવામાં આવશે. તે બાદ પ્રજાજોગ સંદેશો આપવામાં આવશે. આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવશે.

આઝાદી પર્વનો ઉત્સાહ જનજનમાં જાગે એ માટે દાહોદ નગરમાં આવેલી સરકારી ઇમારતોને રોશનીથી શણગારવામાં આવશે. આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી લોકો જીવંત નિહાળી શકે એ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દાહોદ માહિતી ખાતાના ફેસબૂક અને ટ્વીટર હેન્ડલ પર લાઇવ ટેલીકાસ્ટનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. જેની લિંક ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. તેમ કલેક્ટર ખરાડીએ ઉમેર્યું છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજ, નિવાસી અધિક કલેક્ટર એમ. જે. દવે, પ્રાયોજના વહીવટદાર બી. ડી. નિનામા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.