- બાઈક પર જઈ રહેલા દંપત્તિને નડ્યો વિચિત્ર અકસ્માત
- બાઈકચાલક પતિના માથા પરથી ટ્રેક્ટર ફરી વળ્યુ
- હેલ્મેટ પહેર્યું હોવાથી પતિનો થયો આબાદ બચાવ
દાહોદ: સ્માર્ટ સીટી દાહોદના માર્ગો પર જ્યાં ત્યાં ખાડાઓ જોવા મળે છે. મેઘ મહેરના કારણે ખાડાઓ પાણીમાં તરબોળ થતાં માર્ગ પરથી મોટરસાયકલ પર પસાર થઈ રહેલું દંપત્તિ ખાડાના કારણે અકસ્માતનો ભોગ બન્યું હતું. ચોક્કસ તે જ સમયે સામેની તરફથી પસાર થઈ રહેલા એક ટ્રેક્ટરનું પાછલું ટાયર તેમના માથા પરથી પસાર થઈ ગયું હતું. સદનસીબે ચાલકે હેલમેટ પહેર્યું હોવાથી તેમનો જીવ બચી જવા પામ્યો હતો.
બાળક અને પત્ની પણ સહેજ માટે રહી ગયા
સીસીટીવીમાં જોવા મળ્યા મુજબ, બાઈક પર પતિ, પત્ની સહિત તેમનું એક નાનકડું બાળક પણ હતું. રસ્તા પર ખાડો આવતા પતિ જમણી બાજુ પટકાયો હતો, જ્યારે પત્ની અને બાળક ડાબી બાજુ પટકાયા હતા. જમણી બાજુ પટકાયેલા પતિએ હેલમેટ પહેર્યું હોવાથી તેનો આબાદ બચાવ થયો હતો. જ્યારે, પત્ની અને બાળક ડાબી બાજુ પડવાના કારણે જ બચી ગયા હતા. આ અંગે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી.