- દાહોદમાં પિતાએ પુત્રોને કુવામાં ફેંકી કરી આત્મહત્યા
- પિતા અને બે પુત્રો સહિત ત્રણના મોત
- દાહોદ પોલીસે તપાસ હાથ ધરી
દાહોદઃ જિલ્લાના બાંડીબાર ગામમાં રહેતા જયંતીભાઈ પટેલ તેની પત્ની અને બે બાળકો સાથે ગામમાં આવેલા ખેતરમાં તૈયાર થયેલો ભીંડીનો પાક આપવા ગયા હતા, ત્યાંથી પરત ફરતા અગમ્ય કારણોસર જયંતીભાઈ પત્નીને કૂવામાં ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, પરંતુ નજીક રહેલા બે બાળકોને કૂવામાં ફેંકી દઈ પોતે મોતની છલાંગ લગાવી હતી. પત્નીએ નજરો સમક્ષ બે બાળકો અને પતિને મોતના મુખમાં જતા જોઈ સ્થળ પર મૂર્છિત બની ગઈ હતી. આ બનાવ સંદર્ભે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શું હતો સમગ્ર બનાવ...
લીમખેડા તાલુકાના નાની બાંડીબાર ગામે રહેતા 32 વર્ષીય જયંતીભાઈ સરતનભાઈ પટેલ તેની 30 વર્ષીય પત્ની ધનીકાબેન, 11 વર્ષીય પુત્ર મેહુલ પટેલ તેમજ 08 વર્ષીય પુત્ર યાદવ પટેલ એમ ચારે જણા ગામમાં આવેલા ભીંડી વાળા ખેતરમાં વાવેતર કરેલ ભીંડી કાપવાનું કામ કરવા ગયા હતા અને દિવસ ભીંડી કાપવાનું કામ પૂરું કરી સાંજના પાંચેક કલાકના સુમારે ખેડૂત દંપતિ તથા તેમના બે દિકરા પરત ઘરે આવી રહ્યા હતા. તે દરમિયાન પગદંડી વાળા રસ્તે અવાવરૂ કુવા પાસે આવ્યા બાદ જયંતીભાઈએ પોતાની પત્ની ધનિકાબેનને પકડી અગમ્ય કારણસર કૂવામાં ફેંકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પત્નીએ પતિના હાથમાંથી યેનકેન પ્રકારે છટકી જઈ દૂર ભાગી ગઈ હતી. ત્યારબાદ જયંતીભાઈએ તેમની આંખોના રતન સમા પોતાના બે દીકરાઓ મેહુલ તથા યાદવને પકડીને અવાવરૂ કુવામાં ફેંકી દીધા હતા, જે બાદ જયંતીભાઈએ પોતે અવાવરૂ કૂવામાં મોતનો ભૂસકો માર્યો હતો.
પોલીસે તપાસ હાથ ધરી
પોતાના પતિ તથા બે દીકરાઓને પોતાની નજર સામે કૂવામાં પડતા જોઈ ધનિકાબેન મૂછિત થઇ ગઇ હતી. આ ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે દોડી આવેલા ગ્રામજનોએ તરવૈયાઓને ઘટનાસ્થળે બોલાવ્યા હતા. પરંતુ કૂવાના પાણીમાં ઝેરી સાપ તથા અન્ય જીવજંતુ ફરતા જોવાતા તરવૈયાઓએ કૂવામાં કૂદવાની હિંમત કરી ન હતી. ગ્રામજનોએ લોખંડની બિલાડી કૂવાના પાણીમાં નાખી ત્રણેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સતત બે કલાકની ભારે જહેમત બાદ લોખંડની બિલાડીથી ત્રણેય મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી.
આ ઘટનાની જાણ થતાં જ દોડી આવેલી લીમખેડા પોલીસે ત્રણેય મૃતકોની મૃતદેહનો કબ્જો વધુ તપાસ હાથ ધરી છે.