દાહોદઃ જિલ્લામાં છેલ્લા બે મહિનાથી પણ વધારે દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. દાહોદ જિલ્લામાં મંગળવારે 15 નવા દર્દીઓનો વધારા સાથે કોરોનાનો કુલ આંક 1174 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 22 દર્દીઓ કોરોના મુક્ત થતાં હાલ જિલ્લામાં 151 એક્ટિવ દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે.
જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના મહામારીને રોકવા માટે જુદા જુદા પગલાં ભરવામાં આવી રહ્યા છે, તેમ છતાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે 238 RTPC તેમજ 2191 રેપિડ ટેસ્ટ મળી કુલ 2429 સેમ્પલ કલેક્ટ કરી ચકાસણી અર્થે મોકલતા તે પૈકી 2414ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જ્યારે 15 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોનાના નવા 15 કેસ નોંધાતો જિલ્લામાં હાલ કોરોનાના કેસની સંખ્યા 1174 થઇ છે. ઉલ્લેખનિય છે કે, રાજ્ય સહિત સમગ્ર દેશમાં સતત કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે.