દાહોદઃ જિલ્લાના મહેનતકશ લોકો માટે મહાત્મા ગાંધી રોજગાર બાંહેધરી યોજના લોકડાઉનના અનિવાર્ય સંજોગોમાં આર્થિક સ્થિતિ સક્ષમ બનાવી રાખવા માટેની તક લાવી છે. જિલ્લાની 494 ગ્રામ પંચાયતોમાં મનરેગા હેઠળ કુલ 11271 કામો લેવામાં આવ્યા છે અને આ કામોમાં 77893 લોકોને રોજગારી મળી છે. દાહોદ જિલ્લામાં મનરેગા હેઠળ લેવામાં આવેલા તળાવ ઉંડા કરવાના કામો ઉડીને આંખે વળગે એવા છે. જિલ્લામાં કુલ 97 તળાવોને ઉંડા ઉતારવાનું કામ મહેનતકશ લોકોના હાથેથી થઇ રહ્યું છે.
- શ્રમિકો સોશ્યિલ ડિસ્ટન્સનું કરે છે પાલન
જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજે જણાવ્યું કે, 15 એપ્રિલથી જ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ જોબકાર્ડ ઇશ્યુ કરી લોકોને રોજગારી આપવાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 8211 કામો, સામૂહિક કૂવાના 896 કામો, જમીન સમતળના 959 કામો, આંગણવાડીના 16 અને ચેકડેમના કુલ 827 સહિતના કામોનો સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યું કે, જે સ્થળે કામ ચાલતા હોય ત્યાં પીવાના પાણી, છાંયડા અને આરોગ્યની સુવિધા આપવામાં આવી છે. તમામ શ્રમવીરોને માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સોશ્યિલ ડિસ્ટન્સ જળવાઇ રહે એ રીતે કામગીરી કરવામાં આવી રહી છે.
- શહેરોમાંથી લોકડાઉનને કારણે શ્રમિકો પોતાના ગામ પરત ફર્યા
ઝાલોદ તાલુકાના વરોડ ગામના સૂરપળી ફળિયા નજીક ડુંગરા વચ્ચે આવેલા અનુસરણના તળાવને ઉંડા ઉતારવાની કામગીરી શ્રમવીરો દ્વારા ઉત્સાહભેર થઇ રહી છે. ચારેય તરફ ટેકરીથી ઘેરાયેલું આ તળાવ વરસાદી પાણીથી ભરાઇ જાય ત્યારે રમણીય સ્થળ બની જાય છે. અહીં સૌથી વધુ 461 શ્રમવીરો કામ કરી રહ્યાં છે. તેમાંથી મોટા ભાગના એવા લોકો છે જે અમદાવાદ, વડોદરા જેવા મોટા શહેરોમાંથી લોકડાઉનને કારણે પોતાના ગામમાં પરત ફર્યા છે. તેઓ આ શહેરોમાં શ્રમકાર્ય કરતા હતા. 2 અઠવાડિયા ઘરે બેઠા બાદ એપ્રિલમાં મનરેગાના કામ શરૂ થતાં તુરંત જોબકાર્ડ કઢાવી એમાં જોડાઈ ગયા છે.
મનરેગાના હેઠળના કામો વહેલી સવારથી શરૂ થઇ જાય છે. સૂરજ માથે આવે આવે ત્યાં તો કામ આટોપી ઘરે ચાલ્યા જાય છે. એટલે ગરમીથી બચી શકાય. થયેલા કામોનું મેઝરમેન્ટ થાય છે અને તેના આધારે ચૂકવણું થાય છે. એક વ્યક્તિને રૂ. 224 સુધીનું મહેનતાણું મળે છે. આ રકમ સીધા એના બેંક ખાતામાં જ જમા થાય છે. આ શ્રમવીરો સાથે વાતચીત કરતા તેઓ લોકડાઉનમાં સમયમાં રોજગારી આપવા બદલ સરકારનો આભાર માનવાનું ચૂકતા નથી. પાનીવેડ ગામના તળાવમાં પણ થઇ રહી છે. આ તળાવમાં હજુ થોડું પાણી ભરેલું છે. ઓવારા પછી ખુલી પડેલી જમીનમાં કામગીરી શરૂ કરવામાં આવી છે.
- મનરેગા હેઠળ તાલુકાના કુલ 19590 શ્રમિકોને રોજગારી મળી
વિશેષ વાત તો એ છે કે, આ તળાવમાંથી કોલસા જેવી કાળી ભમ્મર માટી નીકળે છે. એટલે, માટી લેવા માટે ખેડૂતો પડાપડી કરે છે. ખેડૂતો આવી ટ્રેક્ટરમાં પોતાની રીતે માટી ભરી શકે છે. ઝાલોદ તાલુકામાં મનરેગાના કામોની વિગતો આપતા તાલુકા વિકાસ અધિકારી પી. એન. પટેલ કહે છે કે, તાલુકામાં 49396 માનવ દિનની રોજગારીનું સર્જન કરવામાં આવ્યું છે અને અત્યાર સુધીમાં રૂ. 108.54 લાખનું ચૂકવણું કરવામાં આવ્યું છે. મનરેગા હેઠળ તાલુકાના કુલ 19590 વ્યક્તિને રોજગારી મળી છે. હજુ પણ જરૂરિયાત મુજબ રોજગાર સર્જક કામોનું આયોજન છે.