સેલવાસ: સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના નરોલી ગામના નવા ફળિયા ખાતે રહેતા વિજયસિંહ રાઠોડને મુંબઈ ખાતેની હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. છેલ્લા ટેસ્ટમાં તેમનો કોરોના covid-19નો રિપોર્ટ નેગેટિવ આવતાં તેમના પરિવારજનો સહિત સંઘપ્રદેશ પ્રશાસને રાહતનો શ્વાસ લીધો છે.
દાદરાનગર હવેલીના નરોલી ગામના નવા ફળિયા ખાતે રહેતા વિજયસિંહ રાઠોડની સેલવાસની વર્ધમાન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જ્યાં તેમની તબિયત વધુ બગડતા વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતા. જ્યાંથી વધુ સારવાર માટે મુંબઇની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં તારીખ 5મી એપ્રિલના રોજ તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા સંઘપ્રદેશ પ્રશાસન અને તેમના પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
સંઘપ્રદેશ પ્રશાસને તાત્કાલિક ધોરણે નરોલી અને ખરડપડામાં ગામને સંપૂર્ણ લોકડાઉન કરી લોકોની ગતિવિધિ પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. ત્યારબાદ વિજયસિંહ રાઠોડના સંપર્કમાં આવેલા 35 જેટલા લોકોને પણ કોરોન્ટાઇન કરાયા હતા. જ્યારે ગુરુવારે મુંબઇ ખાતે સારવાર લઈ રહેલા વિજયસિંહ રાઠોડ નો રિપોર્ટ નેગેટીવ આવતા અને તેમની તબિયતમાં ઘણો સુધારો થતા હોસ્પિટલમાંથી રજા આપી છે. હાલ તે પોતાના મુંબઈ ખાતેના ઘરે એક સપ્તાહ માટે હોમ કોરોન્ટાઇન થયો છે.
સેલવાસમાં વિજયસિંહ રાઠોડના કોરોના પોઝિટિવ બાદ પ્રશાસન સતર્ક બન્યું હતું. તેમજ આરોગ્ય વિભાગ પણ સતર્કતાના પગલાં લઈ રહ્યું હતું. જેમાં ગુરુવારે એક સાથે બે ખુશીના સમાચાર પ્રશાસનને મળ્યા હતાં એક તો, વિજયસિંહ રાઠોડ નું સ્વસ્થ થવું અને બીજુ સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં વિનોબા ભાવે હોસ્પિટલમાં દત્તાની ફાઉન્ડેશન, સનાથન textile દ્વારા ચાર વેન્ટિલેટર પૂરા પાડવામાં આવ્યા છે. જેનાથી કોરોના સામે લોકોના આરોગ્યની વધુ કાળજી લઈ શકાશે.
ઉલ્લેખનીય છે કે, દાદરા નગર હવેલી ખાતે હાલમાં કોરોનાનો એક જ પોઝિટિવ કેસ આવ્યો છે. તે સિવાય જેટલા પણ રીપોર્ટ ચેક કરવામાં આવ્યા છે. તે બધા નેગેટિવ આવતાં પ્રશાસન માટે પણ રાહતના સમાચાર છે.