સેલવાસ: સંઘપ્રદેશમાં IRBNમાં ફરજ બજાવતા મોટા ભાગના જવાનો લક્ષદ્વીપના છે. તેઓ અહીં પરિવાર સાથે રહે છે. જેમાં હાલ કોરોના મહામારીનો ડર અને ભાષાની સમસ્યા નડી રહી છે. કોરોના વાઇરસને પગલે હોસ્પિટલ, બોર્ડર પર અને પ્રદેશમાં ફરજ બજાવતા IRBNના જવાનોના પરિવારો સેલવાસની કોલોનીમાં રહે છે. જો કોઈને કોરોના થાય તો સમગ્ર કોલોનીને કોરોન્ટાઇન કરાશે માટે તેમના પરિવારોને તકલીફ પડી શકે છે. તેવી રજૂઆત સાથે 35થી વધુ પરિવારોએ સેલવાસના કલેક્ટરને તેમના વતન લક્ષદ્વીપ પરિવારને જવા માટે પરમિશન આપવાની માગ કરી છે.
મૂળ લક્ષદ્વીપ ટાપુ પર રહેતા અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણ અને દીવમાં પોલીસ સાથે મળી ફરજ બજાવતાં IRBNના 35થી વધુ કર્મચારીઓ તેમના પરિવાર સાથે અહીં રહે છે. જેમના મોટાભાગના લોકોને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા આવડતી નથી અને તેઓને ફક્ત લક્ષદ્વીપની સ્થાનિક ભાષા જ આવડે છે. હાલમાં સમગ્ર દેશમાં અને દાદરા નગર હવેલી, દમણ-દીવમાં કોરોના વાઇરસની બીમારી હોવા છતાં આ IRBNના જવાનો રાત દિવસ તેમની ફરજ બજાવી રહ્યા છે, તેવા સમયે પરિવારમાં કેટલાક બીમાર તો કેટલાક જવાનની પત્નીને પણ વિવિધ બીમારીઓથી સેવા લેવી પડી રહી છે.
પરંતુ જો આ જવાનોને કોરોનાનો ચેપ લાગે તો તેમના પરિવાર અને આખી કોલોની બીમારીમાં સપડાઈ જાય તેમ છે. જે બાદ અનેક મુશ્કેલી વેઠવી પડી શકે છે. તેવી લેખિત રજૂઆત સેલવાસ કલેકટર, દમણ કલેકટર સમક્ષ કરી જવાનોના પરિવારોએ લક્ષદ્વીપ જવાની પરમિશન આપવાની માગ કરી છે.