સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ નગરપાલિકા દ્વારા મિલકત વેરા પેટે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી હેઠળ આમલી વિસ્તારમાં 5 ઉદ્યોગોના બાકી મિલકત વેરા પેટે સિલિંગની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં બાકી મિલકત વેરો ભરપાઈ નહિ કરનારા પાંચ ઉદ્યોગો પર પોલીસ બંદોબસ્ત સાથે સિલિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
આમલી વિસ્તારના કુલ પાંચ ઉદ્યોગોને ચીફ ઓફિસર એ.બી. ભટ્ટ, પ્રશાસનિક અધિકારી ભાવેશ પટેલ, આરોગ્ય અધિકારી રાજીવ રંજનની ઉપસ્થિતિમાં સિલ મારવામાં આવ્યું હતું. આ સલિંગ કાર્યવાહી અંગે આરોગ્ય અધિકારી રાજીવ રંજને જણાવ્યું હતું કે, સિલવાસા મ્યુનિસિપલ કાઉન્સિલ દ્વારા બાકી બોલતા પ્રોપર્ટી ટેક્સ અંગે અહીંના ઉદ્યોગકારોને બે બે વાર નોટિસ મોકલી સમયસર ટેક્સ ભરપાઈ કરી જવા અનુરોધ કર્યો હતો. પરંતુ આ ઉદ્યોગકાર વેપારીઓએ સુચનને ઘોળીને પી ગયા હતાં. જેથી મંગળવારે પાલિકાની સિલિંગ ટીમ સાથે આમલી વિસ્તારમાં આવી કુલ પાંચ ઉદ્યોગોને સિલ માર્યું હતું.
સિલિંગ કરાયેલ ઉદ્યોગોમાં સીમકો ઇન્ડસ્ટ્રીઝ આમલીના 17526 રૂપિયા, ઉત્તમ કિશોરચંદના 41689 રૂપિયા, આશિષ ભરત દેસાઈના 20226 રૂપિયા, મિલેનિયમ હાઇટેકના 13662 રૂપિયા, ventoshi aircon ના 12374 રૂપિયા મિલકત વેરા પેટે બાકી બોલાઈ રહ્યાં છે.
પાલિકાએ તેમને નોટિસ આપ્યા બાદ પણ વેરાની રકમની ભરપાઈ ના કરતા સિલિંગની કાર્યવાહી હાથ ધરી હતી. જે દરમિયાન કંપનીમાં કર્મચારીઓ પણ કામ કરી રહ્યાં હતા. જે તમામને અધિકારીઓના અદેશથી છુટ્ટી અપાઈ હતી. કંપનીઓના તમામ મશીનો બંધ કરવામાં આવ્યા હતાં. અને જ્યાં સુધી પ્રોપર્ટી ટેક્સ ભરપાઈ નહીં કરવામાં આવે ત્યાં સુધી સિલિંગની દૂર કરવામાં નહીં આવે તેવી ચીમકી આપી હતી.
પાલિકાની આ કામગીરી અને ઉદ્યોગકારોની મિલકત વેરા ભરપાઈ નહીં કરવાની નફ્ફટાઈથી આ કંપનીમાં કામ કરનારા કર્મચારીઓની હાલ પૂરતી રોજીરોટી છીનવાઈ છે. તો સિલિંગની કાર્યવાહી બાદ અન્ય ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાયો છે.