- દાદરા ગામે આધેડની હત્યા
- મૃતક વાપીના ચણોદનો રહેવાસી
- પોલીસે વધુ તપાસ હાથ ધરી
દમણઃ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના દાદરા ગામે સાઈ ભોજનાલયના રૂમમાં એક આધેડની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. ઘટનામાં હત્યા કરનારા હત્યારા ફરાર થઈ ગયા હોય દાદરા નગર હવેલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
દાદરા નગર હવેલીના દાદરા ગામે પોલીસ મથક સામે આવેલા સાઈ ભોજનાલયના રૂમમાં એક પુરુષનો હત્યા કરી દીધેલો મૃતદેહ પડ્યો હોવાની જાણકારી દાદરા નગર હવેલી પોલીસને મળી હતી. જે અંગે દાદરા પોલીસ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા સાઈ ભોજનાલયની રૂમમાં એક પુરુષનો નગ્ન અવસ્થામાં મૃતદેહ પડ્યો હતો.
પોલીસ તપાસમાં મરનારો 50 વર્ષીય આધેડનું નામ રાજવીર ચૌધરી હોવાનું અને તે વાપીના ચણોદ કોલોનીમાં રહેતો હોવાની વિગતો મળી હતી. મૃતક વાપીમાં એક ટ્રાન્સપોર્ટ ઓફિસમાં નોકરી કરતો હતો. તેની હત્યા કોણે અને ક્યાં કારણોસર કરી છે. તે અંગે દાદરા નગર હવેલી પોલીસે તપાસ શરૂ કરી છે.
મૃતદેહ નજીક બિયરના ટીન પડ્યા હતાં
ઉલ્લેખનીય છે કે જે રૂમમાં આધેડનો મૃતદેહ પડ્યો હતો. તે રૂમમાં જ દારૂના ખાલી ટીન પડ્યા હતા. મૃતદેહને મોઢાના ભાગે અને છાતીના ભાગે ધારદાર હથિયારના ઘા કર્યા હોવાના નિશાન છે. જે જોઇ પોલીસે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.