- મોહન ડેલકર આત્મહત્યા મામલે કોંગ્રેસી નેતાનું એલાન
- પ્રભુ ટોકીયાએ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવા આહ્વાન કર્યું
- દોષીતોને સજા અપાવવા દરેકને એક મંચ પર આવવા અપીલ કરી
સેલવાસ : કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં કોંગ્રેસે પત્રકાર પરિષદ બોલાવી હતી. જેમાં તેમને મોહન ડેલકરની આત્મહત્યાને હત્યા ગણાવી હતી. કોંગ્રેસના નેતા પ્રભુ ટોકીયાએ મોહન ડેલકરને આદિવાસી નેતા જ નહીં, પરંતુ ભાઈ-પિતા સમાન હોવાનું જણાવી આ મામલે પ્રફુલ પટેલ અને તેમની દોષીત ટીમ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી હતી. આ ઉપરાંત મોહન ડેલકરને અને તેમના પરિવારને ન્યાય અપાવવા ડેલકર સમર્થકોને ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાનું આહ્વાન કર્યું હતું.
પ્રભુ ટોકીયાએ આક્રોશ સાથે કર્યા આક્ષેપ
સેલવાસમાં આયોજિત પત્રકાર પરિષદમાં કોંગ્રેસી નેતા પ્રભુ ટોકીયાએ આક્રોશ સાથે આક્ષેપો કર્યા હતા કે, સાંસદ મોહન ડેલકરની આત્મહત્યા એ હત્યા છે. તેમને આત્મહત્યા માટે મજબૂર કરનારા લોકો સામે કાયદાકીય પગલાં લેવામાં આવે. આ માટે કેન્ડલ માર્ચ યોજવાથી કશું થવાનું નથી. લોકોએ રોડ પર ઉતરી ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે.
આરપારની લડાઈ લડવી પડશે: પ્રભુ ટોકીયા
પ્રભુ ટોકીયાએ આ માટે પ્રશાસક પ્રફુલ પટેલ અને ભાજપના કેટલાક નેતાઓને જવાબદાર ઠેરવ્યા હતાં. જેમનો ઘેરાવ કરી પ્રદેશમાં લોકશાહી બચાવવા, નોકર શાહી, હિટલર શાહી ખતમ કરી ન્યાય માટે આરપારની લડાઈ લડવી પડશે.
આદિવાસી સમાજે ભાઈ-પિતા સમાન નેતાને ગુમાવ્યા
પ્રભુ ટોકીયાએ મોહન ડેલકર સાથે તેમના વૈચારિક મતભેદ હોવાનું જણાવી આદિવાસીઓએ ડેલકરરૂપી મોટાભાઈ અને પિતા સમાન નેતાને ગુમાવ્યા હોવાનું જણાવ્યું હતું. આદિવાસી સમાજને એક મંચ પર લાવી દાદરા નગર હવેલીને બચાવવાનો કોંગ્રેસે સંકલ્પ લીધો હોવાનું પણ પ્રભુ ટોકીયાએ જણાવ્યું હતું.
ભાજપના નેતાઓ તપાસને અન્ય દિશામાં ભટકાવશે
હાલમાં સાંસદનો પરિવાર ભાજપના કેટલાક નેતાઓ પાસે ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છે. જે આ તપાસને અન્ય દિશામાં ભટકાવશે તેવા આક્ષેપ કર્યા હતા. દાદરા નગર હવેલી અને દમણમાં જ્યારથી પ્રશાસક પ્રફુલ પટેલ આવ્યા છે. ત્યારથી લોકશાહી અને જનપ્રતિનિધિઓનું અસ્તિત્વ ખતમ થયું હોવાના આક્ષેપો પણ કોંગ્રેસી નેતાએ કર્યા હતા.
પ્રફુલ પટેલના રાજમાં ભ્રષ્ટાચાર પારાકાષ્ટાએ
પ્રદેશમાં ભ્રષ્ટાચાર પારાકાષ્ટા પર હોવાનું જણાવી પ્રદેશના દરેક નાગરિકે અને પક્ષના આગેવાનોએ એક મંચ પર મોહન ડેલકરને ન્યાય અપાવવો જરૂરી હોવાનું પણ પ્રભુ ટોકીયાએ જણાવ્યું હતું.