દાદરા નગર હવેલીઃ સંઘપ્રદેશના સાયલી ગામે દમણગંગા નહેરની કિનારે બનેલા માર્ગ પરથી મુસાફરો ભરેલી ઓટો રીક્ષા પસાર થઈ રહી હતી. ત્યારે, અચાનક સામેથી ભારે વાહન આવી જતા રીક્ષા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, અને રીક્ષા અંદર બેઠેલા ત્રણ પેસેન્જર સાથે સીધી નહેરમા પલ્ટી મારી ગયી હતી.
સંજોગોવસાત રીક્ષા ચાલક અને સ્થાનિક પેસેન્જરોને તરતા આવડતુ હોવાને કારણે પાણીમાંથી બહાર નીકળી આવ્યા હતા. જે સમયે આ ઘટના બની, ત્યારે નહેર બે કાંઠે વહેતી હતી. આ ઘટનાની જાણ આજુબાજુના લોકો તેમજ પોલીસને થતા તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. દમણગંગા નહેર વિભાગના અધિકારીને ટેલીફોનીક જાણ કરી નહેરનુ પાણી બંધ કરાવ્યા બાદ રીક્ષાને ક્રેઈન વડે બહાર કાઢવામા આવી હતી.
સદભાગ્યે આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાની કે ઈજા થઈ ન હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર નહેરની આજુબાજુ ડિવાઈડર નહિ બનાવ્યા હોવાને કારણે આ ઘટના બની હતી. આ રસ્તો સાંકડો છે. જો બે વાહનો સામસામે આવી જાય, તો ઘણી મુશ્કેલી સર્જાય છે. જેથી જે રીતે બીજા વિસ્તારમા ડિવાઈડર બનાવવામા આવ્યા છે. તેવી જ રીતે અહીં પણ ડિવાઈડર બનાવવામા આવે એવી લોકમાગ ઉઠી છે.