સેલવાસ: દાદરા નગર હવેલીમાં દાદરા, મસાટ, રખોલી, સુરંગી સહિત જે પણ ગામમાં ઔદ્યોગિક એકમો ચાલે છે. આ વિસ્તારોમાં ઘરેલુ અને કોમર્શિયલ સિલિન્ડરમાંથી નાના સિલિન્ડરમાં કોઈપણ જાતના સુરક્ષાના સાધન વગર ખુલ્લેઆમ ગેસ રિફીલિંગ કરી તેને વેચવાનો કાળો કારોબાર ધમધમે છે. અહીં કેટલાક કાળા બજારીયા રાશનની દુકાનમાં સિલિન્ડરોના થપ્પા લગાવી તેમાંથી પાછલા બારણે નાના સિલિન્ડરમાં ગેસનું રિફીલિંગ કરવાનું કામ કરે છે.
કેટલીક દુકાનદારો ગેસ રીપેરીંગની આડમાં આ ગોરખધંધો કરી રહ્યાં છે. કોઈપણ પ્રકારના સલામતીના સાધનો વિના ધમધમતા આ કારોબારમાં જો કોઈ મોટી દુર્ઘટના ઘટી તો અમદાવાદ હોસ્પિટલ આગ હોનારત કે બેરુતના બ્લાસ્ટ જેવી મોટી હોનારત સર્જાઈ શકે છે. જીવતા બૉમ્બ સમાન આ ગોરખધંધામાં કેટલીક ગેસ એજન્સીઓની અને પ્રશાસનના અધિકારીઓની મિલીભગત છે.
વાર-તહેવારે ઉદ્યોગકારો પર અને સામાન્ય નાગરિકો પર તવાઈ બોલાવતું પ્રશાસન આવા કાળા બજારીયાઓ પર કાયદાની લગામ લગાવે તે જરૂરી છે. પ્રસાશન દ્વારા આવા ગેરકાયદે ધંધો કરનાર દુકાનદારો સામે કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. શું પોલીસ વિભાગ અને પ્રસાશન કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યુ છે? કે પછી ગેરકાયદેસર આવા ખુલ્લેઆમ ગેસસિલિન્ડર રિફીલિંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરશે તે જોવુ રહ્યું...