સંઘપ્રદેશ: દાદરા નગર હવેલીના નારોલી ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી ભિલોસા ઇન્ડસ્ટ્રીઝમાં સોમવારે વહેલી સવારે ભીષણ આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ પર કાબૂ મેળવવા સેલવાસ અને વાપીના ફાયર ફાયટરોને બોલાવવામાં આવ્યાં હતાં. વિકરાળ આગના કારણે કંપની આસપાસ ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યાં હતાં.
આગ પર ફાયરના જવાનોએ પાણી અને ફોમનો મારો ચલાવી કાબૂમાં લીધી હતી. જે દરમિયાન ગભરાયેલા કેટલાક કર્મચારીઓએ બહાર આવી આગમાં 35થી 40 લોકો ફસાયા હોવાની વાત કરતા ફાયરના જવાનો અને પોલીસે પોતાની કામગીરી હાથ ધરી હતી. આગ પર કાબૂ મેળવ્યા સુધીમાં કોઈ વ્યક્તિ અંદર ફસાયો હોવાનું જાણવા મળ્યું નહોતું અને તે અફવા હોવાનું અનુમાન લોકોએ લગાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ભિલોસા કંપનીમાં આ પહેલા પણ આગના બનાવો બની ચૂક્યા છે અને તેમાં જાનમાલનું નુકસાન પણ થયું છે. સોમવારે લાગેલી આગનું પ્રાથમિક તારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ના હોવાનું જાણવા મળ્યું હતું. આગને કારણે કંપનીમાં મોટાપાયે નુકસાન થયું છે.