- નટરાજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ભિષણ આગ
- પ્લાસ્ટિક બલાવતી ફેક્ટરીમાં આગની ઘટના
- ફાયર સેફ્ટીનો અભાવ
દાદરા : કેન્દ્રશાસિત દાદરા નગર હવેલીના દાદરા ચેકપોસ્ટ નજીક અનેક નાનામોટા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આવેલા છે. જેમાની નટરાજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના એક ગાલામાં ભિષણ આગ ભભૂકી ઉઠી હતી. જેને ફાયરના જવાનોએ મહામહેનતે બુઝાવી હતી.
પ્લાસ્ટિકની આઈટમ બનાવતી કંપનીમાં આગ
દાદરા નગર હવેલીના ફાયર વિભાગને કોલ આવ્યો હતો કે, દાદરા ચેકપોસ્ટ નજીક નટરાજ ઇન્ડસ્ટ્રીયલમાં થરમોકોલમાંથી પ્લાસ્ટિકની આઈટમ બનાવતી કંપનીના પ્લાસ્ટિકમાં આગ લાગી છે. જેની જાણ થતાં ફાયર વિભાગે તાત્કાલિક કંપનીમાં પહોંચી આગ પર કાબૂ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો.
ફાયરની ગાડી જવા જેટલી પણ જગ્યા ન હતી
જો કે, આગ પ્લાસ્ટિકની આઈટમમાં લાગી હોવાથી વધુને વધુ પ્રસરી રહી હતી. જેને કારણે ધૂમાડાના ગોટેગોટા ઉઠતા આસપાસના લોકોમાં પણ ગભરાટ ફેલાયો હતો. નટરાજ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ફાયરની ગાડી જઈ શકે તેટલી પણ જગ્યા ના હોવાને કારણે આગને બૂઝાવવા ફાયર જવાનોએ દીવાલ કૂદીને જવું પડ્યું હતું.
સંચાલકોની બેદરકારીને કારણે આગ
બે-ત્રણ કલાકની મહેનત બાદ ફાયરના જવાનોએ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. આગની ઘટના અંગે અગમ્ય કારણસર આગ લાગી હોવાનું તારણ રજૂ કરાયું હતુ. જ્યારે ફાયર સેફટી અંગે સંચાલકો તદ્દન બેદરકાર હોવાનું ફલિત થયું હતું.