સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં ખાતે સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ દ્વારા ખગ્રાસ કંકણાકૃતિ સૂર્યગ્રહણ જોવા માટે વિશેષ આયોજન કર્યુ હતું. જેની માટે સેલવાસ સેન્ટ્રલ લાયબ્રેરીની અગાશી પર સૂર્યગ્રહણ માણવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં સોલર ગોગલ્સ અને ટેલિસ્કોપ સહિતની અનેક જરૂરી વસ્તુઓની સુવિધા કરાઈ હતી.
સૂર્યગ્રહણના અદભુત નજારાને નિહાળવા શહેરીજનો, શાળાઓ, ડૉ.એ.પી.જે અબ્દુલ કલામના કૉલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ અંગે સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના અધિકારી મહેન્દ્રસિંહ ખેંગારે જણાવ્યુ હતું કે,"આ સૂર્યગ્રહણને નરી આંખે જોવાથી નુકસાન થતું હોવાથી ખાસ પ્રકારના ચશ્માનો ઉપયોગ કરવો જોઈએ."
આ સૂર્યગ્રહણને નિહાળવા માટે સવારથી વિદ્યાર્થીઓ અને શહેરીજનો હાજર રહ્યાં હતાં. સૂર્યગ્રહણ સવારે 7:57 વાગ્યાથી 10:57 સુધી તેની ચરમસીમાએ હતું. જેનો અદભુત નજારો માણવા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે, ગુરુવારે વર્ષનું ત્રીજું અને છેલ્લું સૂર્યગ્રહણ થયું હતું. આજનું કંકણાકૃતિ ગ્રહણ ભારત ઉપરાંત એશિયાના કેટલાક દેશ સહિત આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ જોવા મળ્યું હતું. આ સૂર્યગ્રહણ બાદ હવે 21 જૂન 2020માં બીજુ સૂર્યગ્રહણ થશે જે ભારતમાં જોઈ શકાશે.