- મહિલાએ બોડેલીની વણીયાદરી કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું
- કેનાલ પાસેથી પસાર થતા વાહન ચાલકે મહિલાના પરિવારને કરી જાણ
- પરિવારે આવી મહિલાના મૃતદેહને બહાર કાઢ્યો
છોટા ઉદેપુર: બોડેલી તાલુકાના વણીયાદરી ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં મહિલાએ ઝંપલાવી જીવન ટૂંકાવતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી. કેનાલ પાસેથી પસાર થતા ગામના વાહન ચાલકે જોઈ લેતા અને મહિલાના પરિવારજનોને જાણ કરતા મહિલાનો પરિવાર કેનાલ પર આવી મહિલાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. સમગ્ર બનાવની જાણ બોડેલી પોલીસને થતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બે વર્ષના પુત્રએ માતા ગુમાવી
સંખેડાના સરસિંડા ગામમાં રહેતા દિવ્યનારાયણ સિંહ સોલંકીની પુત્રીના થોડાક વર્ષો પહેલા આણંદ નજીક સારસાના યુવક જ્યેન્દ્રસિંહ સાથે લગ્ન થયા હતા. જેઓને બે વર્ષનો પુત્ર પણ છે. તેઓ વડોદરાના ગોરવા પાસે રામી સ્કૂલની સામે પોતાના મકાનમાં રહેતા હતા. બોડેલી તાલુકાના વણીયાદરી ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં કોઈક કારણોસર બપોરના સમયે યુવતીએ કેનાલમાં પાણીમાં ઝંપલાવ્યું હતું જેને ગામના જ વાહનચાલકે જોઈ લેતા યુવતીના પરિવારજનોને જાણ કરી હતી. પરિવારજનો કેનાલ પર આવ્યા ત્યારે વણીયાદરી અને લઢોદ કેનાલની વચ્ચેથી યુવતીને બહાર કાઢી હતી. ત્યારે તે બેભાન હતી. બનાવની જાણ 108ને કરાતા 108ની ગાડી તાત્કાલિક સ્થળ પર આવી પહોંચી હતી. યુવતીને બોડેલી સરકારી દવાખાને લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે યુવતીને મૃત જાહેર કરી હતી.
મહિલાએ ક્યા કારણોસર કેનાલમાં ઝંપલાવ્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. સમગ્ર બનાવની જાણ બોડેલી પોલીસને થતા બોડેલી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.