- છોટા ઉદેપુરમાં પાવીજેતપુરના રાયપુર વિસ્તારમાં ખનન અટકાવવા ગ્રામજનોની માગ
- રાયપુરમાં લીઝ ધારક ગેરકાયદેસર ખનન કરી પથ્થર લઈ જતા હોવાના ગ્રામજનોનો આક્ષેપ
- લીઝ ધારક મનફાવે ત્યારે બ્લાસ્ટિંગ કરતો હોવાથી અમે ખેતરમાં જતા ડરીએ છીએઃ ગ્રામજનો
છોટા ઉદેપુરઃ જિલ્લાનો મોટા ભાગનો વિસ્તાર કુદરતી જંગલો તો ડુંગરોની હારમાળામાં ઘેરાયેલો છે. આવા વિસ્તારોમાં લોકો પણ આ કુદરતી અને આહ્લાદક કુદરતી સૌંદર્યને નીહાળવા આવતા હોય છે, પરંતુ કુદરતના અખૂટ ખજાના પર હવે ખાણ માફિયાઓની નજર પડી છે. રાયપુર ગામ નજીક ચિત્તા ડુંગરી આવેલી છે. આ ચિત્તા ડુંગરી પર આદિવાસી સંસ્કૃતિના અવશેષો આવેલા છે. આમ, છતાં વર્ષ 2008માં આ ડુંગરીને ખાણ ખનીજ વિભાગે 128 સરવે નબર પૈકીના ચાર હેક્ટર વિસ્તારને 20 વર્ષ માટે ગ્રેનાઈટનો પથ્થર કાઢવા માટે પરવાનગી આપી દીધી હતી. હવે અહીં લીઝ ધારકો ડુંગરીમાં બ્લાસ્ટ કરીને પથ્થરો કાઢી લઈ જવાનું કામ ચાલી રહ્યા છે.
ખાણ ખનીજ વિભાગ આંખ આડા કાન કરે છેઃ ગ્રામજનો
ચિત્તા ડુંગરીની બિલકુલ બાજુમાં 2 હજારની વસતી ધરાવતું ગામ રાયપુર આવેલું છે. અહી વસતા આદિવાસી લોકોના આસ્થા સમાન આ ડુંગરી છે. તેની ઉપર આવેલા વર્ષો જૂના મંદિર પર જઈ તેઓ પૂજા કરતાં હોય છે. આદિવાસી લોકોના વર્ષો પહેલાના ચિત્રો અને લિપિઓ પણ આવેલી છે. અહીંના ડુંગરોને બચવા જોઈએ તેવું ગ્રામજનો તેમજ કેટલાક એનજીઓનું પણ કહેવું છે. આ વિસ્તારને ઈકો સેન્સિટિવ ઝોન તરીકે પણ જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ ખાણ ખનીજ વિભાગને કેમ જાણકારી નથી? તેઓ પણ સવાલ કરી રહ્યા છે.
લીઝ ધારક ગમે ત્યારે બ્લાસ્ટ કરે છે, આનાથી અમને નુકસાન થશે તો જવાબદાર કોણ?: ગ્રામજનો
આ વિસ્તારના રહીશો ડુંગરીનું ખોદકામ ન થાય તેવી માગ કરી રહ્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે, બાળકો અને ગામજનો માટે જીવનું જોખમ એટલા માટે ઊભું થયું છે. ગામની બિલકૂલ નજીક શાળા, આશ્રમ શાળા, પંચાયત ઘર, આ ડુંગરીની આસપાસ ખેડૂતોના ખેતરો આવેલા છે. ગામમાં જવા આવવા માટેનો પણ ડુંગરીની બાજુમાંથી જ રસ્તો પસાર થાય છે. લીઝધારકો જાણ કર્યા વગર જ બ્લાસ્ટિંગ કરે છે. એટલે લોકો પોતાના જ ખેતરોમાં જતાં ડરી રહ્યા છે. જ્યારે પણ બલાસ્ટિંગ કરવામાં આવે ત્યારે ધરતીકંપ થતો હોવાનો અહેસાસ લોકો કરી રહ્યા છે. લોકોના મકાનો ઉપર પથ્થરો પડે છે પુષ્કળ પ્રમાણમાં ધૂળ પણ ઊડે છે .
ગ્રામજનો લીજ ધારકને કહેવા જતા તો લીઝ ધારક ગ્રામજનોને ધમકાવતો
ગામના લોકો જ્યારે પણ આ બાબતે ભેગા થઈ લીઝ ધારકને કંઈક કહેવા જાય તો તે ગામ લોકોને ધમકાવી રહ્યો છે. પોલીસ પણ કંઈ કરતી નથી. એટલે હવે પોતાની રજૂઆત કોની સમક્ષ કરવી તે અંગે ગ્રામજનોમાં અસમંજસ છે.
તોલ માટે કાંટો ન હોવાથી ગેરકાયદેસરનું ખનન થતું હોવાનું ગ્રામજનો આક્ષેપ
આ પથ્થરોને તોડીને લઈ જવામાં આવે છે. તેને તોલ કરવા માટેનો કોઈ કાંટો પણ આ વિસ્તારમાં નથી. આથી લીઝ ધારક ગેરકાયદેસર ખનન કરતો હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. આથી તેમની વાત તેમની માંગણી સંતોષવામાં નહી આવે તો આવનારા સમાયમાં તેઓ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.