છોટાઉદેપુર: આદિવાસી બહુલ ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં સદીઓ જૂની માન્યતાઓ અને પરંપરાઓ મુજબ એક નોખા સમાજમાં ઘણી બધી એનોખી પરંપરા આજે પણ જોવા મળે છે. કવાંટ તાલુકાના સમલવાંટ ગામમાં ચાલતી આવતી અનોખી પરંપરા મુજબ અખાત્રીજના દિવસે દેવી દેવતાના ધામધૂમ પૂર્વક લગ્ન યોજાયા બાદ જ ગામમાં લગ્ન લેવાય છે. તે અખાત્રીજથી શરૂ થઇને છેક વરસતા વરસાદ સુધી લગ્નો યોજાય છે.
સદીઓ જૂની પરંપરા: આમ તો સમગ્ર ભારત વર્ષમાં દિવાળી બાદ દેવઉઠી અગિયારસથી લગ્નસરાની સીઝનની શરૂઆત થતી હોય છે પરંતુ છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારમાં વર્ષો જૂની પરંપરા મુજબ હોળી બાદ જ લગ્નની સીઝન શરૂ થતી હોય છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાનું સમલવાંટ ગામ એક એવુ ગામ છે કે જ્યાં અખાત્રીજના દિવસે દેવી દેવતાંના ધામધૂમ પૂર્વક લગ્ન કરવામાં આવે છે. ત્યારબાદ જ ગામમાં લગ્નની શરૂઆત કરવાની સદીઓ જૂની પરંપરા આજે પણ જોવા મળી રહી છે.
ધામધૂમથી લગ્ન: અખાત્રીજથી પ્રકૃતિ પોતાનું નવું પ્રાકૃતિક સ્વરૂપ ધારણ કરે છે. ખેતીના કામની શુભ શરૂઆત કરવામાં આવતી હોય છે, પરંતુ 2500 ની વસ્તી ધરાવતા સમલવાંટ ગામમાં સદીઓ જૂની પરંપરા અને માન્યતા મુજબ અખાત્રીજના દિવસે કનાસિયા કુળની અંબુડી અને ડામરીયા ગોત્રના અંબુડીયાનું પ્રતિકાત્મક રીતે ધામધૂમથી લગ્ન કરવામાં આવે છે. આ પરંપરા મુજબ દેવી દેવતાંના લગ્ન લેવાય છે અને એમાં પણ ચોક્કસ એક જ મહુડીના ઝાડના પાનમાંથી અંબુડીયો અને અંબુડીના પ્રતિકાત્મક આકૃતિ બનાવવામાં આવે છે. તેમાં બોરનો જ કાંટો ભોકવામાં આવે છે. ગામના કોતરમાં આવેલા દરા પાસે મહુડાના પાનમાંથી બનાવેલ વર અને કન્યાના ધામધૂમથી લગ્ન યોજવામાં આવે છે જેમાં પથ્થરના પ્રતિકાત્મક ઢોલ વગાડવામાં આવે છે. આ વિધી યોજાયા બાદ જ ગામમાં લગ્નની શરૂઆત થાય છે.
લોકોની માન્યતા: અખાત્રીજના દિવસે અંબુડી અને અંબુડીયાનું લગ્ન થયા બાદ મહુડાના પાનમાંથી બનાવેલી આકૃતિઓને કોતરના દરા પાસે મૂકી દીધા બાદ જ ગામમાં લગ્ન પ્રસંગોની શરૂઆત કરવામાં આવે છે. આ માન્યતા પાછળ ગામ લોકોની માન્યતા એ રહી છે કે દેવી-દેવતાના લગ્ન લીધા વગર જો કોઈ ગામમાં લગ્ન કરે તો તેનું લગ્ન જીવન ટકતું નથી અને લગ્ન જીવનમાં ઉપાધીઓ આવે છે. જેથી કરીને અખાત્રીજના દિવસે દેવી દેવતાંના લગ્ન બાદ જ ગામમાં લગ્ન લેવાય છે અને તે છેક વરસાદના આગમન સુધી ચાલતાં હોય છે.
'અખાત્રીજથી જ અમારા ગામમાં લગ્ન લેવાની માન્યતાને લઇને અખાત્રીજના દિવસે ગામમાં ઘણા બધા મહુડાના ઝાડ આવેલા છે પણ એક ચોક્કસ મહુડાના પાનમાંથી "અંબુડી" નામની કન્યા અને "અંબુડીયો" નામનો વરના ઢીંગલા બનાવી લગ્ન લેવામાં આવે છે. આ લગ્નને દેવી દેવતાંનું લગ્ન માનવામાં આવે છે. જેમાં આખા ગામના લોકો ભેગા મળીને અખાત્રીજના દિવસે દેવોના લગ્ન લીધા બાદ જ અમારા ગામમાં લગ્નની શરૂઆત થાય છે અને વરસાદના આગમન સુધીમાં આખા ગામના લગ્ન પુરા કરવા પડે છે. જૂન મહિનામાં વાવાઝોડા અને વરસાદ આવે તો અમારે ઘરમાં પણ લગ્ન યોજવા પડે છે, જો કે વરસાદ આવી જવાથી થોડી ઘણી તકલીફ પણ પડે છે પણ અમારા બાપ દાદાના વખતથી ચાલતી આવતી માન્યતા મુજબ આજે પણ અમારા ગામમાં વરસાદની સીઝન માં લગ્ન લેવા પડે છે.' -રાજેશ રાઠવા, પોલીસ પટેલ
વરસાદમાં પણ લગ્નો: આ ગામના પૂર્વ સરપંચ બંદરભાઈ રાઠવા સાથે વાત કરતાં જણાવ્યું હતું, કે અમો જાણીએ છીએ ત્યાં સુધી અમારા ગામમાં એક સદીથી અખાત્રીજના દિવસે ગામમાં અવેલ એક મહુડાના પાનમાંથી વર-કન્યાના ઢીંગલા બનાવવામાં આવે છે. તેના ધામધૂમથી પ્રીતિકાત્મક લગ્ન યોજાયા બાદ જ ગામમાં લગ્ન યોજાય છે અને ગામ મોટું છે એટલે 50 થી વધારે લગ્ન હોય તો વરસાદ આવે ત્યાં સુધી લગ્ન પ્રંસગો ચાલે છે. આ પરંપરા અમારા બાપ દાદાના વખતથી ચાલતી આવતી હોય જેણે લઈને અમારે વરસતા વરસાદમાં પણ લગ્નો યોજવા પડે છે.