ગુજરાતનાં ઇતિહાસમાં પ્રથમ વખત એક આદિવાસી મહિલાની લોકસભા બેઠક માટે પસંદગી કરવામાં આવી છે, ભાજપા દ્વારા આદિવાસી માટે અનામત બેઠક એવી છોટાઉદેપુર લોકસભાની બેઠક માટે ચાલુ સાંસદ રામસિંહ રાઠવાનું પત્તું કાપી ગીતાબેન રાઠવાના નામની જાહેરાત થયા બાદ આજે ગીતાબેન રાઠવાએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. ગીતાબેનનાં ઉમેદવારી પત્ર રજુ કરવા જતા પૂર્વે રાજ્યના મુખ્ય પ્રધાન, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ભાજપા કાર્યાલય પટાંગણમાં જાહેર સભાને સંબોધી હતી.
સભામાં પ્રદેશ ઉપાધ્યક્ષ શબ્દશરણ બ્રહ્મભટ્ટ, સાંસદ રામસિંગ રાઠવા સહીત બેઠકમાં સમાવિષ્ટ તમામ ચાલુ અને પૂર્વ ધારાસભ્ય પણ હાજર રહ્યા હતા. મહત્વનું છે કે, પોતાના વક્તવ્યમાંCM રુપાણીએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ ઉપર વાકબાણ ચલાવ્યા હતા, CM રૂપાણીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા આંતકવાદીઓ ને મદદ કરનારા અને પાકિસ્તાનની ભાષા બોલનારા ગણાવ્યા હતા.
અત્રે ઉલ્લેખનિય છે કે, મુખ્યપ્રધાનનાં 24 મિનિટનાં ભાષણમાં પાકિસ્તાન શબ્દનો 7 વાર, ચોકીદાર શબ્દનો 1 વાર, આતંકવાદી /ત્રાસવાદી શબ્દ નો 9 વાર પ્રયોગ થયો હતો પરંતુ વિકાસ શબ્દ એકપણ વાર બોલ્યા ન હતા.
સભા બાદ મુખ્યપ્રધાન રવાના થઇ ગયા હતા, તો હજારો કાર્યકર્તાઓ સાથે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સાથે ઉમેદવાર ગીતાબેન રાઠવાએ ડીજે સાથે નગરમાં રોડ શો યોજ્યો હતો અને કલેકટર કચેરી પહોંચી પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, ઉપાધ્યક્ષ શબ્દશરણ બ્રહ્મભટ્ટ , સાંસદ રામસિંગ રાઠવા અને ધારાસભ્ય અભેસિંહ તડવી સાથે જીલ્લા કલેકટરને પોતાનું ઉમેદવારી પત્ર સુપ્રત કર્યું હતું. મીડિયા સાથે વાતચીત કરતા જીતુ વાઘાણી એ ગીતાબેન રાઠવાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમજ સારી કામગીરી કરી હોવા છતાં રામસિંહ રાઠવાની ટીકીટ કાપવા અંગે ભારતીય જનતા પાર્ટીમાં કોઈનું પણ સ્થાન કાયમી નથી હોતું તેમ જણાવ્યું હતું.