- જમશેદપુર ખાતે સિનિયર વિભાગ ઓલ ઇંડિયા તિરંદાજી સ્પર્ધા યોજાશે
- સિનિયર વિભાગ ઓલ ઇંડિયા તિરંદાજી સ્પર્ધામાં છોટાઉદેપુરના 5 ખેલાડીઓ ભાગ લેશે
- એકલવ્ય તિરંદાજી એકેડેમી અત્યાર સુધી 100 જેટલા રાષ્ટ્રીયકક્ષાના મેડલો મેળવી ચૂકી છે
છોટાઉદેપુર: નસવાડી એક્લવ્ય તિરંદાજી એકેડેમીના પાંચ તિરંદાજો રાષ્ટ્રીયકક્ષાએ પસંદગી પામતાં 1લીથી 10મી ઓક્ટોબર દરમિયાન ઝારખંંડ જમશેદપુર ખાતે યોજાનાર સિનિયર વિભાગ ઓલ ઇંડિયા તિરંદાજી સ્પર્ધામાં નસવાડીના એકલવ્ય એકેડેમીના 5 તિરંદાજો ભાગ લેવા જવાના છે.
કુલ પાંચ ખેલાડીઓ ગુજરાત રાજયની ટીમમાં પ્રતિનિધિત્વ કરશે
આ સ્પર્ધામાં કમ્પાઉન્ડ વિભાગમાં આંતરરાષ્ટ્રીય ખેલાડી પાયલ રાઠવા અને ભાઇઓના વિભાગમાં રાઠવા મુકેશ રેલીયાભાઇ, ભીલ મુકેશ સામજીભાઇ અને રીકર્વ વિભાગમાં ભીલ અશ્વિન મોગીયાભાઇ તથા વસાવા કમલેશ સંજયભાઇ આમ કુલ પાંચ ખેલાડીઓ ગુજરાત રાજયની ટીમમાં પ્રતિનિધિત્વ કરશે.
ખેલાડીઓ રોજના 10 કલાક જેટલી મહેનત કરી રહ્યા છે
એકલવ્ય તિરંદાજી એકેડેમીના સ્થાપક રાષ્ટ્રીય વિજેતા તિરંદાજ અને તિરંદાજી એસોસિએશન ઓફ ઇન્ડિયાના જોઇન્ટ સેક્રેટરી દિનેશ ભીલ જણાવે છે કે, ખેલાડીઓ પેરીસ ખાતે 2024માંં યોજાનારી ઓલમ્પિકની રમતોમાં પસંદગી થાય તે માટે રાત- દિવસ તનતોડ મહેનત કરે છે. આ ખેલાડીઓ રોજના 10 કલાક જેટલી મહેનત કરી રહ્યા છે.
બે ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ભાગ લઇ ચૂક્યા છે
એકલવ્ય તિરંદાજી એકેડેમી અત્યાર સુધી 100 જેટલા રાષ્ટ્રીયકક્ષાના મેડલો મેળવી ચૂકી છે અને બે ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ભાગ લઇ ચૂક્યા છે. એક્લવ્ય તિરંદાજી એકેડેમી ગુજરાત રાજયમાં તિરંદાજી રમતનું જન્મ સ્થળ છે. છોટાઉદેપુર જિલ્લામાં તિરંદાજ જન્મદાતા દિનેશ ભીલ છે. નસવાડી એકેડેમીના કારણે 100 જેટલા યુવક-યુવતીઓ સરકારી નોકરીમાં રમત-ગમત કોટામાં ભરતી થયા છે.
એકલવ્ય આર્ચરીના સંચાલક દિનેશ ભીલે શુભકામનાઓ પાઠવી
" મન હોય તો માળવે જવાય" કહેવત અનુસાર આદિવાસી ખેલાડીઓ માટે એકલવ્ય આર્ચરી એકેડેમી આશીર્વાદરુપ સાબિત થઇ યોગ્ય અનુકુળ વાતાવરણ પુરુ પાડયુ છે. જમશેદપુર ખાતે યોજાનારી સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ખેલાડીઓ વિજેતા બને છોટાઉદેપુર જિલ્લાનુ તેમજ ગુજરાત રાજ્યનું નામ રોશન કરે તેવી એકલવ્ય આર્ચરીના સંચાલક દિનેશ ભીલે શુભકામનાઓ પાઠવી છે.
આ પણ વાંચો- સુરતની 7 સિનિયર મહિલા ખેલાડીઓની ગુજરાત ટીમમાં પસંદગી.
આ પણ વાંચો- ચાહ-નાસ્તાની લારી ચલાવતા પરિવારની ત્રણ દીકરીઓએ કુસ્તી તથા રેસલિંગમાં મેડલ મેળવ્યો