છોટાઉદેપુરઃ લોકો પાસે લોકડાઉનનો ચૂસ્તપણે અમલ કરાવવા માટે સેવા કર્મી પોલીસ 24 કલાક ખડે પગે રહે છે. જેથી હવે સૈનિક બોર્ડ તેમની પડખે આવ્યું છે. વડોદરા જિલ્લા સૈનિક બોર્ડ દ્વારા સેનાના નિવૃત જવાનોને પોલીસની સહાય કરવાની સૂચના આપવામાં આવી છે. જેથી છોટાઉદેપુર જિલ્લામાં 20 જેટલા નિવૃત સૈનિકો કોઈપણ પ્રકારનું વેતન લીધા વિના પોલીસ જવાનો સાથે લોકોને જાગૃત કરી રહ્યા છે.
છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય માર્ગો પર સેનાના નિવૃત જવાનો ખડે પગે ફરજ બજાવી રહ્યા છે. જેને લઇને ગત એક અઠવાડિયાથી લોકડાઉનના કડક અમલની અસર પણ જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે, જ્યારે-જયારે દેશ પર કોઈ આફત આવી છે, ત્યારે-ત્યારે આવા નિવૃત જવાનો દેશની રક્ષા માટે નિસ્વાર્થ ભાવે આગળ આવ્યા છે.