છોટાઉદેપુર: ગુજરાતમાં વાવવામાં આવતાં તૃણ ધાન્ય પાકોમાં મોખરાનું સ્થાન ધરાવે છે. નાગલી એ ડુંગરાળ પ્રદેશમાં વસતા આદિવાસીઓનો મુખ્ય ખોરાક છે. તૃણ ધાન્ય પાકોમાં નાગલીનો પાક મુખ્યત્વે દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. ત્યારે જેતપુરપાવીના હિરપરી ગામના ખેડૂત વિજયભાઈ રાઠવાએ નાગલીના પાકનું વાવેતર કર્યું હતું.
છોટાઉદેપુર જિલ્લાની આબોહવા નાગલીના પાકને માફક આવે છે કે કેમ તે બાબતનું પરીક્ષણ કરવા વિજયભાઈએ 500 ગ્રામ નાગલીના બિયારણના ધરુનું વાવેતર કરી ડાંગરની રોપણી કરે તે જ રીતે કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર વગર નાગલીના પાકનું સફળ વાવેતર કર્યું હતું. જેમાં નાગલીના પાકને છોટાઉદેપુર જિલ્લાની આબોહવા પણ માફક આવતા હવે જિલ્લાના ઘણા ખેડૂતો આવતા વર્ષથી નાગલીની ખેતી કરવાની તૈયારી દર્શાવી રહ્યા છે.
"સોશિયલ મીડિયામાં નાગલીના પાક વિષે માહિતી મેળવતા કવાંટ ખાતે આદિવાસી એકતા પરિષદના કાર્યક્રમમાં એક જૂના બિયારણનો સ્ટોલ લાગેલ હતો. ત્યાંથી મને નાગલીનું બિયારણ મળી આવતા 7 કિલો બિયારણ ખરીદ્યું હતું. જેમાંથી 500 ગ્રામ જેટલા બિયારણનો મેં ધરુ વાવ્યો હતો, ધરુ તૈયાર થતાં મેં ડાંગર રોપવાની પદ્ધતિ મુજબ બે કાયરામાં નાગલીના ધરુંની રોપણી કરી હતી. જેમાં કોઈ જ પ્રકારના રાસાયણિક ખાતર કે પેસ્ટીસાઈઝ દવાનો ઉપયોગ કર્યા વગર પ્રાકૃતિક રીતે નાગલીના પાકનું પરીક્ષણ કર્યું હતું. જે પરીક્ષણ સફળ થતાં માત્ર 500 ગ્રામ બિયારણમાંથી 100 કિલો નાગલીનું ઉત્પાદન મળ્યું છે." - વિજયભાઈ રાઠવા, ખેડૂત
"મારા પરિવારમાં પ્રથમ વાર નાગલીના પાકનો ખોરાક તરીકે ઉપયોગ કરતાં ખુબ સ્વાદિષ્ટ લગતા હવે આવતા વર્ષે મોટા પ્રમાણમાં વાવેતર કરવાનું આયોજન છે. જોકે આ હલકા પ્રકારના તૃણ ધાન્યમાં નાગલી સગર્ભા મહિલાઓને તેમજ પ્રસુતાં મહિલાઓને આ ખોરાક તરીકે આપવામાં આવે છે. ઉપરાંત નાગલીના રોટલા, શીરો, પાપડ અને બિસ્કિટની પણ મોટા પ્રમાણમાં માંગ વર્તાઈ રહી છે. પરંતુ આજના આધુનિક યુગમાં ખાસ કોઈ આ ખેતીને આપનાવતું નથી. ત્યારે મેં ટ્રાઈલ બેઝ પર નાગલીનું વાવેતર કર્યું છે અને આવતા ચોમાસા પહેલા મોટા પ્રમાણમાં વાવેતર કરી નાગલીના ઉત્પાદનનો ગૃહ ઉદ્યોગ ઉભો થાય તે દિશામાં મારું આયોજન છે." - વિજયભાઈ રાઠવા, ખેડૂત
નાગલીને અંગ્રેજીમાં ફીંગર મિલેટ અથવા આફ્રિકન મિલેટ અને ગુજરાતીમાં રાગી, બાવટાના નામથી પણ ઓળખવામાં આવે છે. આમ તો વર્ષો પહેલા છોટાઉદેપુર જિલ્લામાં પણ કોદરી ( હામેલ ) બાવટો ચેનો, જુવાર જેવા તૃણ ધાન્ય પાકોનું વાવેતર કરવામાં આવતું હતું, પરંતુ સમય જતાં સુધારેલા હાઇબ્રિડ બિયારણ બજારમાં આવતા વર્ષો જૂના નાગલી, બંટી, બાવટો, કોદરી તૃણ ધાન્યના પાકો લુપ્ત થયાં છે. ગુજરાતમાં નાગલીનું વાવેતર ડાંગ, વલસાડ, નવસારી, તાપી અને પંચમહાલ જીલ્લામાં થાય છે.
જાણો નાગલી પાકના ફાયદા:
ડાયાબીટીસને નિયંત્રણમાં રાખે છે: નાગલીનાં દાણામાં રેસાનું પ્રમાણ (૩.૬ ગ્રામ/૧૦૦ ગ્રામ દાણા) સારું હોય છે. નાગલીનો ગ્લાયસેમીક ઈન્ડેક્ષ ખૂબ જ ઓછો હોવાના કારણે લોહીમાં સાકરનું પ્રમાણ ઘટાડી ઈન્સ્યુલીનની કાર્યક્ષમતા વધારે છે. આમ લોહીમાં સાકરનું પ્રમાણ જાળવી રાખે છે. નાગલીમાં રહેલ ફાયટોકેમીકલ્સ પાચનક્રિયા ધીમી કરે છે. આમ રાગી/નાગલી એ ડાયાબીટીસ અને મેદસ્વીતાવાળા દર્દીઓ માટે આર્શીવાદસમાન છે. સંશોધન દ્વારા સાબિત થયેલ છે કે ચોખા અને ઘઉં કરતાં નાગલી/રાગી આધારિત ખોરાક લેવાથી ડાયાબીટીસનાં દર્દીઓને ખૂબ જ ફાયદો થાય છે.
બ્લડ કોલેસ્ટ્રેરોલનું પ્રમાણ નીચું રાખે છે: નાગલીમાં રહેલ એમીનો એસિડ જેવા કે લેક્ટીન અને મિથાઈઓનાઈન લીવરમાં વધારાની ચરબી દૂર કરે છે તથા થેરોનાઈન નામનો એમિનો એસિડ લીવરમાં ચરબી બનતી અટકાવી બ્લડ કોલેસ્ટેરોલનું પ્રમાણ નીચું રાખે છે. આમ નાગલી મનુષ્યનાં શરીરમાં કોલેસ્ટેરોલ વધવા દેતું ન હોવાથી હ્રદયરોગનાં દર્દીઓ માટે ખૂબ ઉપયોગી છે. આ હલકા તૃણ ધાન્ય પાકોના ખોરાકથી હાડકાં ભાંગવાનું જોખમ પણ ઓછું થાય છે.
લોહીની ઉણપ સામે અસરકારક: નાગલીમાં કેલ્શિયમ અને આર્યનનું પ્રમાણ અન્ય ધાન્ય પાક કરતાં વિપુલ પ્રમાણમાં હોવાથી હિમોગ્લોબીનની ઉણપ અને હાડકાંની નબળાઈવાળા લોકો માટે આશીર્વાદરૂપ છે. નાગલી એ શરીરમાં લોહી વધારનાર છે, જેથી રોજીંદા આહારમાં નિયમિત સેવન કરવાથી એનેમિયા રોગ સામે પ્રતિકારતા મળે છે. નાગલીનો બેબી ફુડ તરીકે ઉપયોગ થાય છે. જો લોકોને દૂધની એલર્જી છે તો તેમના માટે નાગલી એક પૂરક ખોરાક માનવામાં આવે છે.
ભારત સરકાર દ્વારા મિલેટ્સનું આંતરરાષ્ટ્રીય વર્ષ (2023) ઉજવવામાં આવ્યું હતું. જેમાં મિલેટ્સ એટલે કે બાજરી, જુવાર, જવ, રાગીને પ્રોત્સાહન માટે સમર્થન આપવામાં આવ્યું હતું. નાગલીની વિવિધતા અને પોષક અને પર્યાવરણીય લાભોને પ્રોત્સાહન આપવાની સમયસર જરૂરિયાત છે અને ખાદ્ય ક્ષેત્રના જોડાણોને સુધારી શકે તેમ છે.