છોટાઉદેપુર જિલ્લામાં વન્યપ્રાણીઓએ લોકો પર હુમલો કર્યો હોય તે ઘટના નવી નથી. પરંતુ આ વખતે છોટાઉદેપુર તાલુકાના સરહદી એવા મોટીસઢલી ગામે બકરાને મારવાની સાથે દીપડાએ બે મહિલા રાઠવા કોહલી બેન, રાઠવા લાસલી બેન અને એક યુવાન રાઠવા સુનિલભાઈને પંજો તેમજ ગળાના ભાગે દાત મારી જીવલેણ હુમલો કર્યો હતો. સદનસીબે ત્રણેયના જીવ બચી ગયા હતા અને 112 દ્વારા છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યાર બાદ દીપડો ગામમાં કોઈ ઘરમાં સંતાઈ ગયો હોવાથી ગામ લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા. ગામ લોકો પોતાના ધાબા ઉપર ચઢી ગયા હતા. ઘટનાની જાણ થતા વન વિભાગ અને પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. દીપડાને રેસ્કયુ કરતા સમયે દીપડાએ વન વિભાગના અધિકારી ડી.સી. એફ. નિલેશ પંડ્યા અને એક ફોરેસ્ટર પર હુમલો કર્યો હતો. બંનેએ સુરક્ષા કવચ પહેરેલ હોવાથી સામાન્ય ઇજાઓ થઇ હતી. મોડી સાંજે દીપડાને બેભાન કરીને રેસ્ક્યુ કરીને પાંજરે પુરવામાં આવ્યો હતો. જ્યાર બાદ ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો અને ધાબા પરથી નીચે ઉતાર્યા હતા.