- નસવાડી ખાતે સૂર્યોદય યોજના શુભારંભ કાર્યક્રમ યોજાયો
- 9 કરોડ ખેડૂતોના ખાતામાં 18,000 કરોડ જમા કરવામાં આવ્યાં
- ખેતીવાડી વીજ જોડાણધારક ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે
છોટાઉદેપુુરઃ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોને સંબોધતા સાંસદ ગીતાબેન રાઠવાએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દાહોદ, ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાની કિસાન સૂર્યોદય યોજનાનું ઇ-લોકાર્પણ કર્યું હતું. છોટાઉદેપુર જિલ્લામાં પણ આગામી દિવસોમાં તમામ ખેતીવાડી વીજ જોડાણધારક ખેડૂતોને દિવસે વિજળી આપવામાં આવશે એમ જણાવી તેમણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંગે જાણકારી આપી હતી. તેમણે સુશાસન દિનની ઉજવણી પ્રસંગે 9 કરોડ ખેડૂતોના ખાતામાં 18,000 કરોડ જમા કરવામાં આવ્યા હોવાનું ઉમેરી તેમણે આયુષ્માન ભારત યોજના, નલ સે જલ યોજના જેવી યોજનાઓની વિગતે જાણકારી આપી હતી.
91 કરોડની કુપ્પા જૂથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત
108ના હુલામણા નામે જાણીતા સંખેડાના ધારાસભ્ય અભેસિંહભાઇ તડવીએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા રાજય સરકારની વનબંધુ કલ્યાણ યોજના થકી આદિવાસી વિસ્તારની કાયાપલટ થઇ હોવાનું જણાવી તેમણે સરકારની વિવિધ યોજનાઓની વિગતે છણાવટ કરી હતી. વધુમાં તેમણે તાજેતરમાં બોડેલી ખાતે રાજયના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમનો યાદ તાજી કરી આ કાર્યક્રમ દરમિયાન નસવાડી તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં વસેલા ગામોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે એ માટે રૂા. 91 કરોડની કુપ્પા જૂથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કર્યું હતું.
નસવાડી તાલુકાના 479 વીજજોડાણ ધારકોને લાભ મળશે
સ્વાગત પ્રવચન કરતા અધિક્ષક ઇજનેર આર.ડી ચંદેલે કિસાન સૂર્યોદય યોજના વિગતે જાણકારી આપી નસવાડી તાલુકાના 479 વીજજોડાણ ધારકોને લાભ મળશે એમ જણાવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે શાળાની બાળાઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કર્યું હતું. કાર્યક્રમની આભારવિધિ કાર્યપાલક ઇજનેર દિનેશભાઇ મોદીએ આટોપી હતી.