- ક્વાંટ-વડોદરા વાયા ચલામલી રૂટની બસ સેવા શરૂ થશે
- અત્યારે આ બસ ચાલુ ન કરતા પ્રવાસીઓને થાય છે હાલાકી
- મોટા ભાગના રૂટ બંધ કરી દેવાટા પ્રવાસીઓ અટવાયા
- આ રૂટ શરૂ ન થયો હોવાથી નોકરિયાત પ્રવાસીઓને મુશ્કેલી
છોટા ઉદેપુરઃ ક્વાંટ-વડોદરા વાયા ચલામલી રૂટની બસ સેવા એક સપ્તાહમાં શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં ગુજરાત સરકારના સ્ટેટ ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા પ્રજાના હિત માટે બસની સેવા કાર્યરત છે. છેલ્લા 6 મહિનાથી વધુ સમય કોરોના મહામારીમાં વીતતા બસ સેવા ખોરવાઈ હતી અને વિવિધ રૂટ બંધ કરાતા એસટી વિભાગને પણ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. કોરોના મહામારીમાં સરકારે બસ સુવિધા 50 ટકા પ્રવાસી સાથે સુવિધા શરૂ કરવામાં આવતા પ્રજાને આવનજાવનમાં રાહત મળી હતી.
વહેલામાં વહેલી તકે ક્વાંટ-વડોદરા વાયા ચલામલી રૂટ શરૂ કરવા માગ
છોટાઉદેપુર જિલ્લામાં પણ તબક્કાવાર એસટીની સુવિધા વિવિધ રૂટો પર શરુ કરવામાં આવ્યા છે, પરંતુ બોડેલી તાલુકાના ચલામલી પંથકના લોકો માટે ક્વાંટ-વડોદરા વાયા ચલામલી રૂટની બમ્પર આવક કરી આપતી બસ સેવા હજુ સુધી શરૂ ન કરાતા નોકરિયાત સહિત મુસાફરોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ચલામલી પંથકમાં ક્વાંટ, કોસિન્દ્રા અને બોડેલી તરફ કામાર્થે આવનજાવન કરનારાઓની સંખ્યા વધુ હોવાથી આ બસ આશીર્વાદ સમાન છે, જેને વહેલી તકે શરૂ કરવા ચલામલી પંથકના લોકોની માગ ઊઠી છે.
ચલામલી રૂટની બસ સેવા એક સપ્તાહમાં શરૂ કરવામાં આવશે: ડેપો મેનેજર
ચલામલી એટિવિટી ડિરેક્ટર પરિમલ પટેલે બોડેલી ડેપો મેનેજરને ટેલિફોનિક રજૂઆત કરતા ડેપો મેનેજરે ક્વાંટ-વડોદરા વાયા ચલામલી રૂટની બસ સેવા એક સપ્તાહમાં શરૂ કરવા હકારાત્મક જવાબ આપ્યો છે.