છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લામાં ધોરણ પહેલા અને બીજા ધોરણના બાળકો ખુલતા સત્રથી રાઠવી અને ભીલી ભાષામાં ભણશે. 25 જેટલાં તજજ્ઞો શિક્ષકો દ્વારા તેજગઢ ભાષા સંશોધન કેન્દ્ર ખાતે સ્થાનિક ભાષામાં અભ્યાસક્રમ તૈયાર કરવા 4 દિવસીય વર્કશોપ યોજાયો હતો.બાળકોને ઘર જેવું વાતવરણ મળી રહે તે માટે રાઠવી અને ભીલી ભાષામાં ગીતો અને કાવ્યો અભ્યાસક્રમમાં સમાવવામાં આવ્યા છે.
માતૃભાષામાં શિક્ષણને લઈને વર્કશોપ: આદિવાસી બાહુલ્ય એવા છોટાઉદેપુર વિસ્તારમાં રાઠવા જાતિના લોકો મોટા પ્રમાણમાં વસવાટ કરે છે. આ સિવાય ભીલ અને અન્ય જનજાતિ પણ વસવાટ કરે છે. મહત્વની વાત છે કે રાઠવા જાતિના લોકોની પોતીકી રાઠવી ભાષામાં વાતચીત કરે છે, તો ભીલ જાતિના લોકો પોતની ભીલી ભાષામાં વાતચીત કરે કરતાં હોય છે. બાળકો પહેલા ધોરણમાં સ્કૂલમાં પ્રવેશ મેળવે તો બાળકો સાહિત્યની ભાષાને સમજી સકતા નથી, તો શિક્ષક પણ બાળકોના રાઠવી બોલી અને ભીલી ભાષામાં સમજી શકતા નથી. જેથી બાળકો અને શિક્ષકો વચ્ચે કોમ્યુનિકેશનની ગેપ ઉભી થતી હતી. નવી શિક્ષણ નીતિ 2020 મુજબ આદિવાસીઓની વસ્તી ધરાવતા 17 જિલ્લામાં આદિવાસીઓની સ્થાનિક ભાષામાં અને શિક્ષકો સમજી શકે તેવા હેતુથી છોટાઉદેપુર જિલ્લામાં તેજગઢ ભાષા, સાહિત્ય એકેડેમી ખાતે સ્થાનિક બોલી સાહિત્ય નિર્માણ કાર્યશાળા યોજાઇ હતી.
સંદર્ભ સાહિત્ય તૈયાર કરાવામાં આવ્યું: ભાષા સંશોધન અને પ્રકાશન કેન્દ્ર તેજગઢ ખાતે, ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત સ્થાનિક બોલી/ ભાષા સાહિત્ય નિર્માણ કાર્યશાળાનું આયોજન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા તથા જિલ્લા શિક્ષણ સમિતિ છોટાઉદેપુર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 1 અને 2ના શિક્ષકો માટે જે રાઠવી બોલી અને ભીલી બોલી નહીં જાણતા હોય તેવા શિક્ષકો માટે સંદર્ભ સાહિત્ય તૈયાર કરાવામાં આવ્યું.
'આ સ્થાનિક સાહિત્ય રાઠવી બોલી અને ભીલી બોલી નહીં જાણતા શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. તેના થકી બાળકોને અને શિક્ષકોની વચ્ચે અધ્યયનની પ્રક્રિયા વધુ સુચારુ તથા ગુણવત્તા સભર બનશે.' -ઈમરાન આર સોની, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી
તજજ્ઞોની ટીમ: નવા શૈક્ષણિક સત્રથી રાજ્યમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ની અમલવારી થવાની છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રારંભિક સ્તરે બાળકોને તેની ઘરની ભાષામાં શિક્ષણ આપવાની ભલામણ કરે છે. નીતિ બહુભાષિક શિક્ષણ પર પણ ભાર મૂકે છે. એ મુજબ હવે ધોરણ એક અને બે માટે પણ સ્થાનિક બોલચાલની ભાષામાં સાહિત્ય નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યમાં છોટાઉદેપુર જિલ્લાના કુલ 25 જેટલા તજજ્ઞોની ટીમ બનાવાઈ હતી જે ભીલી બોલી અને રાઠવી બોલીમાં અગાઉ લેખન કાર્ય સાથે સંકળાયેલા હતા તેઓનો સમાવેશ થયો છે.