છોટા ઉદેપુર: જેતપુર પાવી તાલુકાના લીંબાણી ગામના યુવાન દિલીપ રાઠવાએ વર્ષ 2016માં ઉદ્યોગ સાહસિકની તાલીમ મેળવી હતી. ત્યારબાદ દિલીપ રાઠવાએ ગૌ મૂત્રમાંથી જંતુનાશક દવાઓ બનાવી તેમજ વર્મિકમ્પોસ્ટ અને ધનજીવામૃત જેવા સેન્દ્રિય ખાતર બનાવવાનો ગૃહ ઉદ્યોગ શરૂ કરી પોતાની જમીનમાં પ્રાકૃતિક ખેતી શરૂ કરી હતી. હાલ દિલીપ રાઠવા વર્ષે પાંચ લાખ રૂપિયાનું ટર્ન ઓવર પ્રાપ્ત કરી રહ્યો છે.
પ્રાકૃતિક ખેતી કરતાં દિલીપ રાઠવાએ ETV ભારત સાથે વાત કરતાં જણાવ્યું કે હું છેલ્લાં પાંચ વર્ષથી મારા ખેતરમાં પ્રાકૃતિક ખેતી કરું છું. ગ્રાહકો એડવાન્સ બુકિંગ કરાવી ઓર્ગેનિક અનાજની ખરીદી કરે છે, જેમાંથી વર્ષે મને 3 લાખની આવક પ્રાપ્ત થાય છે. જેથી મને ઓર્ગેનિક અનાજનો ભાવ માર્કેટ ભાવ કરતાં ઊંચો મળે છે. ઓર્ગેનિક ખેતી અપનાવતાં જમીન બંજર બનતી અટકે છે, મારા પરિવારના સભ્યો પણ ઓર્ગેનિક અનાજ આરોગે છે, જેથી મારા પરિવારનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે, તે ઉપરાંત હું જે ઓર્ગેનિક અનાજ જેને વેચું છું, તેમનું આરોગ્ય પણ સારું રહે છે.
"આ ઉપરાંત હું મારા ઘરમાં ગૌ મૂત્રમાંથી જંતુનાશક દવાઓ અને ઓર્ગેનિક ખાતર બનાવી વેચાણ કરું છું જેમાંથી મને વર્ષે બે લાખનો નફો મળે છે. પાંચ વર્ષ પહેલાં મારા પિતા બિનઓર્ગેનિક ખેતી કરતાં હતા. ત્યારે અમને એટલી આવક મળતી ન હતી પરંતુ ઓર્ગેનિક ખેતી અપનાવતાં મેં આર્થિક રીતે પણ કમાણી પ્રાપ્ત કરી છે. મારી ઓર્ગેનિક દવાઓ અને ઓર્ગેનિક ખાતરના ઉત્પાદનના ગૃહ ઉદ્યોગની જિલ્લા કલેકટર સ્તુતિ ચારણે પણ મુલાકાત લીધી હતી. રાજ્ય સરકારે મને પ્રમાણપત્ર આપી સન્માન પણ કર્યું છે જે બદલ હું સરકારનો આભાર વ્યક્ત કરું છું." - દિલીપ રાઠવા, યુવા ખેડૂત
હાલના સમયમાં રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશક દવાઓના વધુ પડતાં ઉપયોગના કારણે અનેક બિમારીઓ થઈ રહી છે. ત્યારે છોટાઉદેપુરનો આ યુવાન દિલીપ રાઠવા પ્રાકૃતિક ખાતર અને જંતુનાશક દવાઓનો ગૃહ ઉદ્યોગ ઉભો કરી ઓર્ગેનિક પદ્ધતિ દ્વારા અનાજ ઉત્પાદન કરી પોતાની જમીન ફળદ્રુપ બની રહે, પરિવારના સભ્યો પણ નિરોગી રહે અને ઓર્ગેનિક અનાજ ખરીદી કરનારાઓની પણ તંદુરસ્તી જળવાય રહે તેવા ઉમદા હેતુ સાથે પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છે. જેમાંથી પ્રેરણા મેળવી અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે.